શ્રીનગર, તા. 13 : કાશ્મીરમાં સરકાર રચવા જઈ રહેલી નેશનલ કોન્ફરન્સ (એનસી)ના પ્રમુખ ફારૂખ અબ્દુલ્લાએ શનિવારે કાશ્મીરી પંડિતોની વાપસીનું એલાન કર્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના શાનદાર પ્રદર્શન બાદ એનસી અને કોંગ્રેસ ગઠબંધને સરકાર રચવા દાવો કર્યો છે. દરમિયાન અબ્દુલ્લાએ કાશ્મીરી પંડિતો વિશે કહ્યું કે તેઓ અને તેમની પાર્ટી કાશ્મીરી પંડિતોની વાપસીની રાહ જોઈ રહયા છે, જેમને આતંકવાદને કારણે 1990ના દાયકાની શરૂઆતમાં પોતાનું ઘર છોડીને ભાગવું પડયું હતુ.
ફારુખ અબ્દુલ્લાએ કહ્યું કે મને આશા છે કે અમારા જે ભાઈ-બહેન અહીંથી ચાલ્યા ગયા છે તેઓ ઘરે પાછા ફરશે. હવે સમય આવી ગયો છે કે તેઓ ઘેર પાછા આવી જાય. તેમણે પોતાની પાર્ટીની નીતિને ટાંકતા કહ્યું કે અમારી પાર્ટી હિંદુ અને મુસ્લિમો વચ્ચે ભેદ નથી કરતી. અમે સૌ સાથે સમાન વ્યવહાર કરીએ છીએ. અમે માત્ર કાશ્મીરી પંડિતો માટે જ નહીં જમ્મુના લોકો અંગે પણ વિચારીએ છીએ. કાશ્મીરમાં સૌ માટે જગ્યા છે. વધુમાં તેમણે કાશ્મીરી પંડિતોને આમંત્રણ આપતાં કહ્યું કે તેમણે કાશ્મીર પરત આવી જવું જોઈએ અને પોતાનું ઘર સંભાળવું જોઈએ. અમારી સરકાર તેમની વાપસી માટે તમામ વયવસ્થાઓ અને પહેલ કરશે. તેઓ અમારી જવાબદારી છે અને અહીં આવી જાય તો તેમને ખ્યાલ આવશે કે અમે તેમના દુશ્મન નથી. આપણે સૌ ભારતીય છીએ અને અમે કોઈને પણ સાથે લેવા તૈયાર છીએ.

