PMO Seva Teerth: વડાપ્રધાન કાર્યાલયનું નવું સરનામું હવે ‘સેવા તીર્થ’ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સેવા તીર્થ અને કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કરશે. દારા શિકોહ રોડ પર આવેલું આ સેવા તીર્થ પરિસર અંદાજે 2.26 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જે લગભગ ₹1,189 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ નવું બિલ્ડિંગ કોમ્પ્લેક્સ આધુનિક અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જ્યાં વહીવટી કાર્યો એક જ છત નીચે થશે. સેવા તીર્થમાં વડાપ્રધાન કાર્યાલય (PMO), રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલયનો સમાવેશ થાય છે, જે પહેલા અલગ-અલગ જગ્યાએ કાર્યરત હતા. આ એક સંપૂર્ણ ‘સ્માર્ટ ઓફિસ’ છે જેમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ, પેપરલેસ વર્ક કલ્ચર માટે ડિજિટલ આર્કાઇવ્સ અને અત્યાધુનિક કોન્ફરન્સ રૂમની સુવિધા છે.
PM મોદી ક્યારે કરશે ઉદ્ઘાટન?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં સેવા તીર્થ અને કર્તવ્ય ભવન-1 અને 2 નું ઉદ્ઘાટન કરશે. તેઓ સાંજે લગભગ 6 વાગ્યે સેવા તીર્થ ખાતે કાર્યક્રમને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલયે માહિતી આપી હતી કે પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે બપોરે લગભગ 1:30 વાગ્યે સેવા તીર્થ બિલ્ડિંગ કોમ્પ્લેક્સનું નામકરણ કરશે. આ ઉદ્ઘાટન ભારતના વહીવટી શાસન માળખામાં એક મોટો બદલાવ લાવનારું સીમાચિહ્ન છે, જે વડાપ્રધાનના આધુનિક, કાર્યક્ષમ અને નાગરિક-કેન્દ્રીત ગવર્નન્સ ઈકોસિસ્ટમ બનાવવાના સંકલ્પને દર્શાવે છે.
સેવા તીર્થમાં શું છે ખાસ?
સેવા તીર્થમાં PMO, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય એકસાથે હશે.
પરિસરમાં ત્રણ મુખ્ય ઇમારતો છે: સેવા તીર્થ-1 (PMO મુખ્યાલય), સેવા તીર્થ-2 (કેબિનેટ સચિવાલય) અને સેવા તીર્થ-3 (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને સચિવાલય).
સાઉથ અને નોર્થ બ્લોક ખાલી કરીને તેને સાર્વજનિક મ્યુઝિયમમાં ફેરવવાની યોજના છે. નોર્થ બ્લોકમાં ‘યુગે યુગીન સંગ્રહાલય’નું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
કર્તવ્ય ભવન 1 અને 2 માં કાયદો, સંરક્ષણ, નાણાં, આરોગ્ય અને કૃષિ જેવા મહત્વના મંત્રાલયોની ઓફિસો હશે.
આ પરિસર 4-સ્ટાર GRIHA રેટિંગ ધરાવે છે, જે ઉર્જા સંરક્ષણ, જળ સંરક્ષણ અને કચરા વ્યવસ્થાપનના આધુનિક ધોરણો પર આધારિત છે.
અહીં સ્માર્ટ એક્સેસ કંટ્રોલ સિસ્ટમ અને એડવાન્સ સિક્યોરિટી નેટવર્ક જેવી સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
સાઉથ બ્લોકમાં છેલ્લી કેબિનેટ બેઠક
સાઉથ બ્લોકમાં પ્રથમ કેબિનેટ બેઠક 15 ઓગસ્ટ 1947ના રોજ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં યોજાઈ હતી. હવે 13 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અહીં અંતિમ કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે. સામાન્ય રીતે કેબિનેટની બેઠકો 7 લોક કલ્યાણ માર્ગ પર થતી હોય છે, પરંતુ સેવા તીર્થમાં શિફ્ટ થતા પહેલા સાઉથ બ્લોકમાં આ છેલ્લી બેઠક ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
તારીખ 13 ફેબ્રુઆરી જ કેમ?
PMO બ્રિટિશ કાળના સાઉથ બ્લોકમાંથી પોતાના નવા સરનામે શિફ્ટ થઈ રહ્યું છે. સંયોગવશ, 13 ફેબ્રુઆરી 1931ના રોજ જ અંગ્રેજોએ નવી દિલ્હીને ભારતની રાજધાની જાહેર કરી હતી. ગુલામીની પ્રતીક સમાન તારીખે જ વસાહતી વારસાને ત્યાગીને આત્મનિર્ભર અને આત્મવિશ્વાસુ નવા ભારતના નિર્માણનો આ સંકલ્પ અત્યંત સૂચક છે.

