મુંબઈ, તા. 26 : મુખ્ય પ્રધાનપદેથી આજે એકનાથ શિંદેએ રાજીનામું આપી દીધું છે. તેમ છતાં મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી જારી છે અને ત્રણ દિવસ પછીય નવો મુખ્ય પ્રધાન કોણ હશે એ મામલે મહાયુતિમાં હજુ સુધી ચર્ચાનો દોર ચાલુ જ છે. દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું હતું કે ભાજપના નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસને ફરી મુખ્ય પ્રધાન બનાવવાનું નક્કી કરી લીધું છે. જોકે, ભાજપ તરફથી આ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ફડણવીસની દાવેદારી મજબૂત છે પણ શિંદેને એ મંજૂર નથી, ભાજપ હવે નિરીક્ષકોને મુંબઇમાં મોકલશે. શિંદે અને ફડણવીસે આજે સવારે મુંબઈ પોલીસ કમિશનરના કાર્યાલયમાં 26-11ના હુમલાના શહીદોના સ્મારક પર જઈને એમને શ્રદ્ધાંજલિ આપી હતી. – ફડણવીસ સૌથી આગળ : શિંદે સરકારમાં પ્રધાન રહેલા દીપક કેસરકરે કહ્યું હતું કે શિવસેના શિંદે ફરી મુખ્ય પ્રધાન બને એ માટે જોર કરી રહી છે.
બીજી તરફ ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય પ્રધાન કોણથી માંડીને સરકારની રચનામાં કોઈ ઉતાવળ કરવામાં નહીં આવે. મુખ્ય પ્રધાનપદે કોણ હશે એ જાહેર કરતાં પહેલાં ખાતાઓની ફાળવણી, તેમ જ પાલક પ્રધાન મામલે નિર્ણય લેવામાં આવશે. સંસદનું સત્ર પણ ચાલુ હોવાથી કેન્દ્ર સરકાર વ્યસ્ત છે. તેઓ મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ અને સાથી પક્ષોના નેતાઓને પણ મળી રહ્યા છે. એક વખત ફૉર્મ્યુલા નક્કી થઈ ગયા બાદ જ વિગતો જાહેર કરવામાં આવશે. મુખ્ય પ્રધાનપદની દોડમાં ફડણવીસ સૌથી આગળ છે.
રાષ્ટ્રવાદીના અજિત પવારે હજુ કોઈ નિર્ણય જાહેર કર્યો નથી પણ પક્ષના વરિષ્ઠ નેતા છગન ભુજબળે તાજેતરમાં કહ્યું હતું કે ફડણવીસ સ્વીકાર્ય છે. – શિંદે માટે 100થી વધુ મંદિરોમાં આરતી યજ્ઞ : એકનાથ શિંદે ફરી મુખ્ય પ્રધાન બને એ માટે રાજ્યનાં 100થી વધુ મંદિરોમાં વિશેષ આરતી, પૂજા તથા હોમ-હવનનું આયોજન કરાયું હતું. શિવસેનાની ધરમવીર આધ્યાત્મિક સેનાના અધ્યક્ષ અક્ષય ભોસલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રનાં મંદિરોમાં પૂજારીઓ દ્વારા પૂજા તથા હવન કરવામાં આવ્યાં હતાં. મુખ્ય પ્રધાન તરીકે શિંદેએ કરેલાં કલ્યાણકારી કામોને જોતાં આ તમામ ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવ્યાં હતાં. ભૂતકાળમાં શિંદે આસામમાં દેવી કામખ્યા મંદિરમાં બે વખત દર્શને ગયા હતા. – કોને દિલ્હી મોકલાશે? : ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ફડણવીસના નેતૃત્વમાં બનનારી સરકારમાં શિંદેને નાયબ મુખ્ય પ્રધાન બનાવાશે. વળી, આ વ્યવસ્થા પાંચ વર્ષ માટે હશે. શિંદેને શહેરી વિકાસ અથવા પીડબ્લ્યુડી જેવું મહત્ત્વનું ખાતું આપવામાં આવશે. અજિત પવારને નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં ખાતું સોંપાશે. અન્ય એક શક્યતા એવી પણ છે એકનાથ શિંદેને દિલ્હી મોકલવામાં આવશે. એમના વિશ્વાસુ ઉદય સામંત, શુંભુરાજે દેસાઈ અથવા દીપક કેસરકરને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. શિંદે દિલ્હી શા માટે જશે એવો સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસને દિલ્હી મોકલવામાં આવે એવી એક શક્યતા પણ છે. એમને કદાચ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બનાવાશે, એમ પણ ભાજપમાં ચર્ચા છે.

