મને ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત કરો : પાટિલ

Reena Brahmbhatt
2 Min Read

અમદાવાદ, તા. 5 : સાળંગપુર ખાતે આયોજિત ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો થયો છે, મને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે હાઇકમાન્ડને રજૂઆત કરી છે.

C R PATIL

- Advertisement -

મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરો અને પાર્ટીના `એક વ્યક્તિ એક હોદ્દા’ની નીતિ હેઠળ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી અન્ય કોઈને સોંપવામાં આવે, જે બધાને સાથે રાખીને ચાલે અને પાર્ટીને વધુ સફળતા અપાવે. મને કેન્દ્રની જવાબદારી મળી છે અને અહીં મારો કાર્યકાળ પૂરો થાય છે. હવે આગામી સમયમાં નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે અને તેમના અધ્યક્ષ સ્થાને આગામી કારોબારી બેઠક મળશે. મહત્ત્વનું છે કે, લોકસભાની ચૂંટણીનાં પરિણામ બાદ બોટાદના સાળંગપુર ધામ ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટીની બૃહદ પ્રદેશ કારોબારીની બેઠકના આજે બીજા દિવસે પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીયમંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ અને વિનોદભાઈ ચાવડા સહિત હોદ્દેદારો અને કારોબારી સભ્યો સહિત 1300થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી બેઠક્માં હાજર તમામ કાર્યકર્તાઓના મોબાઇલ ફોન સાઇલેન્ટ કરીને સાઇડમાં મુકાવી દેવામાં આવ્યા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર.

પાટિલે કહ્યું કે, મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો. પાટિલે સૌથી મોટી વાત પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ સહકારી સંસ્થાનાં પરિણામ આવવાની વાત કરી હતી. સહકારી સંસ્થાની ચૂંટણીમાં મેન્ડેટનો અનાદર થયો હોવાનો તેમણે કારોબારીમાં ઉલ્લેખ કર્યો હતો. જેના વિશે પાટિલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. પાટિલે કહ્યું કે, આ મેન્ડેટ ભંગ થયાનું દરેક કાર્યકર્તાને અને ખુદ મને દુ:ખ છે. આ સાથે તેમણે સૌને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓમાં લાગવા કહ્યું હતું. પાટિલે કહ્યું કે, સંભવિત રીતે દિવાળી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે. આપણે લોકસભા ચૂંટણીમાં જે બૂથમાં માઈનસમાં ગયા ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કસર પૂરી કરવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપડે સારું પરિણામ લાવવાનું છે. સી.આર. પાટિલે ક્ષત્રિય સમાજનો આભાર પણ માન્યો હતો. પાટિલે કહ્યું કે, ક્ષત્રિય સમાજના વિરોધ છતાંય ક્ષત્રિય સમાજ આપણી પડખે રહ્યો, તે માટે હું ક્ષત્રિય સમાજનો આભાર માનું છું.

- Advertisement -
Share This Article