Sabarimala Gold Theft: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરના ગર્ભગૃહના દરવાજા અને મૂર્તિઓ પર સોનાનો ઢોળ ચડાવવા માટે 2019 અને 2023-25 દરમિયાન મૂર્તિઓને ચેન્નઈ મોકલવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ પ્રક્રિયા દરમિયાન અસલી સોનું કાઢી લેવામાં આવ્યું હતું અને ખૂબજ ઓછી માત્રામાં સોનાનો ઉપયોગ કરીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સબરીમાલા મંદિરનું સંચાલન ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ (TDB) કરે છે, જેમાં સામાન્ય રીતે કેરળની સત્તારૂઢ સરકાર દ્વારા નિયુક્ત સભ્યો હોય છે.
સપ્ટેમ્બર 2025માં, સબરીમાલાના સ્પેશિયલ કમિશનરે હાઈકોર્ટને જાણ કરી કે મંદિરના ગર્ભગૃહના દરવાજાની ફ્રેમ અને ‘દ્વારપાલક’ (રક્ષક દેવતાઓ)ની મૂર્તિઓ પરથી સોનાનું પ્લેટિંગ અગાઉથી જાણ કર્યા વગર હટાવી લેવામાં આવ્યું છે. આનાથી શંકા જતાં હાઈકોર્ટે પોતે સંજ્ઞાન લીધું અને ઓક્ટોબર 2025માં ઉચ્ચ પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં SIT ની રચના કરી. ત્યારબાદ ED પણ મની લોન્ડરિંગના એન્ગલથી તપાસમાં જોડાયું.
SIT એ હાઈકોર્ટમાં સબમિટ કરેલા રિપોર્ટમાં આખું કાવતરું સ્ટેપ-બાય-સ્ટેપ ખુલ્લું પાડ્યું છે.
▪️1998નું અસલી સોનું : મૂર્તિઓ પર 1998માં એક દાતા દ્વારા અસલી અને ભારે માત્રામાં સોનાનું કોટિંગ કરવામાં આવ્યું હતું.
▪️2019નું કાવતરું : વર્ષ 2019માં મુખ્ય આરોપી અને સ્પોન્સર ઉન્નીકૃષ્ણન પટ્ટીએ મૂર્તિઓના સમારકામ અને ફરીથી સોનાનો ઢોળ ચડાવવાનો પ્રસ્તાવ મૂક્યો. બોર્ડના અધિકારીઓની મિલીભગતથી મૂર્તિઓને ચેન્નઈની ‘સ્માર્ટ ક્રિએશન્સ’ નામની કંપનીમાં મોકલવામાં આવી.
▪️નકલી દસ્તાવેજો (તકલીફ અહીં થઈ) : આ સોનાની મૂર્તિઓને સરકારી ટ્રાન્સપોર્ટ પરમિટ અને બોર્ડના ચોપડામાં જાણીજોઈને “માત્ર તાંબાની પ્લેટો” તરીકે દર્શાવવામાં આવી, જેથી સોનાની હેરફેર પર કોઈની નજર ન પડે.
▪️સોનાની ચોરી : ચેન્નઈમાં અસલી સોનાનું સ્તર (અંદાજે 4.5 કિલોથી વધુનો તફાવત) ઓગાળીને કાઢી લેવાયું. મૂર્તિઓ પર સોનાનું અત્યંત પાતળું અને હલકી ગુણવત્તાનું લેયર ચડાવી દેવાયું. આરોપીઓએ છેતરપિંડી છુપાવવા માટે 40 વર્ષની ગુણવત્તાની ગેરંટીનું નકલી સર્ટિફિકેટ પણ બનાવ્યું.
2019માં જે નબળું સોનાનું પ્લેટિંગ કરાયું હતું તે થોડા જ મહિનાઓમાં ખરાબ થઈ ગયું અને અંદરથી તાંબુ દેખાવા લાગ્યું. પાપ છાપરે ચડીને પોકારે તેવી સ્થિતિ થઈ, એટલે આ ચોરી છુપાવવા માટે પાછું બીજું નવું કાવતરું ઘડાયું. નવેમ્બર 2023માં જ્યારે CPM નેતા પી.એસ. પ્રશાંત TDB ના પ્રમુખ બન્યા, ત્યારે જૂના આરોપીઓએ તેમનો સંપર્ક કર્યો. વર્ષ 2025માં દેવસ્વમ મેન્યુઅલ અને કોર્ટના નિયમોની વિરુદ્ધ જઈને, જૂની ચોરી છુપાવવાના આશયથી ફરીથી આ મૂર્તિઓને ‘નવા પ્લેટિંગ’ના બહાને ચેન્નઈ મોકલવાની મંજૂરી અપાઈ. પરંતુ આ વખતે મામલો પકડાઈ ગયો.
તાજેતરમાં કેરળ હાઈકોર્ટે સબરીમાલા મંદિરના સોનાની કથિત ચોરી અને હેરાફેરી મામલે ચાલી રહેલી તપાસના આધારે મોટો આદેશ આપ્યો છે. કેરળ હાઈકોર્ટની દેખરેખ હેઠળ ચાલી રહેલી SIT ને આ મામલામાં CPI, CPM નેતાઓ વિરુદ્ધ નવો ગુનાહિત કેસ નોંધવાની મંજૂરી આપી છે. આ કેસમાં CPM નેતા અને ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ (TDB) ના પૂર્વ પ્રમુખ પી.એસ. પ્રશાંત તેમજ CPI નેતા અને પૂર્વ બોર્ડ સભ્ય એ. અજીકુમાર વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને છેતરપિંડીના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ અગાઉ, CPM ના અન્ય એક વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય એ. પદ્માકુમારની પણ આ જ સોના ચોરી કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી.
જોકે, રામ મંદિર મામલે છાતી કૂટનારી આખી લિબરલ ગેંગ ડાબેરી નેતાઓ સંડોવાયેલા હોવાથી અને ભાજપનું અહીંયા કોઈ કનેક્શન સાબિત કરી શકાય એમ ન હોવાથી સબરીમાલા મંદિર સોના ચોરી મામલે મૌન ધારણ કરીને બેઠી છે.

