Sukhoi-30 Aircraft Crash Assam: સુખોઈ-30 વિમાન ક્રેશમાં 2 પાયલોટે ગુમાવ્યા જીવ, ભારતીય વાયુસેનાએ વ્યક્ત કર્યો શોક, કહ્યું- દુખની આ ઘડીમાં પરિવારની સાથે

Arati Parmar
3 Min Read

Sukhoi-30 Aircraft Crash Assam: ભારતીય વાયુસેના (IAF) નું એક સુખોઈ સુ-30 એમકેઆઈ (Su-30 MKI) લડાકુ વિમાન ગુરુવારે આસામના કાર્બી આંગલોંગ વિસ્તારમાં તાલીમ અભિયાન દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ વિસ્તાર જોરહાટથી 60 કિલોમીટર દૂર છે. વાયુસેનાએ ગુરુવારે મોડી રાત્રે આની પુષ્ટિ કરી. જણાવી દઈએ કે પહેલા આ વિમાન ગુમ થયાના સમાચાર આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું હતું કે વિમાને આસામના જોરહાટથી ઉડાન ભર્યા બાદ રડાર સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો, ત્યારબાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. હવે ભારતીય વાયુસેનાએ પોતાના પાયલોટના નિધન પર શોક સંવેદના વ્યક્ત કરી છે.

શું કહ્યું ભારતીય વાયુસેનાએ

ભારતીય વાયુસેનાએ શોક વ્યક્ત કરતા કહ્યું કે, IAF સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ પુરવેશ દુરાગકરના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરે છે, જેઓ સુખોઈ-30 વિમાન દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભારતીય વાયુસેનાના તમામ જવાનો શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના વ્યક્ત કરે છે અને આ દુખની ઘડીમાં તેમની સાથે મજબૂતીથી ઉભા છે.

- Advertisement -

જણાવી દઈએ કે Su-30MKI એ બે બેઠકો વાળું લાંબા અંતરનું લડાકુ વિમાન છે જેને રશિયન વિમાન ઉત્પાદક સુખોઈએ વિકસાવ્યું છે.

  • આનું નિર્માણ હવે ભારતીય વાયુસેના માટે લાયસન્સ હેઠળ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા કરવામાં આવે છે.

  • ભારતીય વાયુસેના પાસે 260 થી વધુ Su-30MKI વિમાનોનો કાફલો છે, જે અનેક યુદ્ધોમાં પોતાનો દમ બતાવી ચૂક્યો છે.

  • પરંતુ હવે જે રીતે આ ક્રેશ થયું છે, તેના મેન્ટેનન્સ પર સવાલો ઉઠવા લાગ્યા છે.

  • 2000 ના દાયકાની શરૂઆતમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવેલું સુખોઈ Su-30 MKI સૌથી શક્તિશાળી લડાકુ વિમાનોમાંનું એક માનવામાં આવે છે.

2019 માં પણ સુખોઈ-30 MKI ક્રેશ થયું હતું

જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સુખોઈ વિમાન ક્રેશ થયું હોય. આ પહેલા પણ સુખોઈ-30 એમકેઆઈ એરક્રાફ્ટ ક્રેશ થઈ ચૂક્યું છે. ઓગસ્ટ 2019 માં સુખોઈ-30 એમકેઆઈ એક રૂટિન ટ્રેનિંગ મિશન દરમિયાન આસામમાં તેઝપુર પાસે ડાંગરના ખેતરમાં ક્રેશ થયું હતું. તે સમયે બંને પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા અને બાદમાં તેમનો જીવ બચાવી લેવાયો હતો.

- Advertisement -

આ પહેલા મે 2015 માં, અન્ય એક સુખોઈ-30 એમકેઆઈ એરક્રાફ્ટ ટેક-ઓફના થોડા સમય બાદ તેઝપુર એરફોર્સ બેઝથી લગભગ 36 કિમી દક્ષિણમાં ક્રેશ થયું હતું, જેમાં ક્રેશ થતા પહેલા બંને પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.

- Advertisement -
Share This Article