મુંબઈમાં વિમાનથી ટક્કરથી 36 સુરખાબ મોતને ભેટયાં : મુંબઈ, તા.21 : મુંબઈના ઘાટકોપરમાં વિમાન અથડાવાથી 36 જેટલાં સુરખાબનાં મૃત્યુ થતાં પક્ષીપ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ છે. વાસ્તવમાં, ઘાટકોપરમાં 36 સુરખાબના મૃતદેહ મળ્યા હતા. ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું હતું કે વિમાનથી અથડાવાના કારણે આ રૂપકડાં પંખીઓનો જીવ ગયો હતો. એમિરેટ્સની ફલાઈટ ઈકે-508 ગઈકાલે રાત્રે દુબઈથી મુંબઈ આવી રહી હતી. આ વિમાન જ્યારે ઘાટકોપરમાં પંતનગરના લક્ષ્મીનગર વિસ્તારમાં પહોંચ્યું ત્યારે સુરખાબનું એક ઝૂંડ આ વિમાનથી ટકરાયું હતું જેમાં 36 પક્ષી મોતને ભેટયાં હતાં.

મુંબઈ હવાઈમથકના અધિકારીએ જણાવ્યું કે ફ્લાઈટ રાત્રે 9.18 કલાકે આવી ત્યારે પંખીઓ ટકરાવાની જાણ થઈ હતી. આ ઘટનામાં ફલાઈટને પણ નુકસાન થયું હતું. ફ્લાઈટમાં 310 યાત્રી સવાર હતા જોકે તેનું સકૂશળ ઉતરાણ થયું હતું. મુંબઈના ચેરિયાં સંરક્ષણ સેલના અધિક સંરક્ષક (વન) રામા રાવે કહ્યું કે આ ઘટનામાં 36 ફ્લેમિંગો મૃત મળ્યા હતા. આ ઘટનામાં કોઈ સુરખાબ ઘાયલ થયાં હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

