નવી દિલ્હી, તા. 27 : માત્ર વ્યક્તિગત પત્રના આધાર ઉપર ઉચ્ચ ન્યાયાલયોએ કોઈપણ કેસની તપાસ સીબીઆઈને સોંપી દેવી જોઈએ નહીં. અપવાદરૂપ કેસો જ કેન્દ્રીય તપાસ એજન્સીઓને સોંપવા જોઇએ એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. કોર્ટે એક કેસની સુનાવણી કરતાં આ નિર્દેશ આપ્યો હતો.

અદાલતે કહ્યું હતું કે, જો સીબીઆઈને તપાસ સોંપવાનો આદેશ આપવામાં આવે, તો પોલીસ ઉપર ભરોસો ન કરવાનું કારણ પણ સ્પષ્ટ હોવું જોઈએ. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની પીઠે કહ્યું હતું કે, સીબીઆઈને અત્યંત દુર્લભ કેસમાં જ તપાસ સોંપાવી જોઈએ. આવું પણ ત્યારે જ થવું જોઈએ જ્યારે કોર્ટને ભરોસો બેસી જાય કે, સંબંધિત કેસમાં રાજ્યની પોલીસ ન્યાય કરી શકે તેમ નથી. અદાલતે કહ્યું હતું કે, એ વાતમાં કોઈ સંશય નથી કે, બંધારણની અનુચ્છેદ 226 હેઠળ ઉચ્ચ અદાલત કોઈપણ કેસની તપાસ સીબીઆઈને આપી શકે છે, પરંતુ આવું કરતી વખતે કોર્ટે ખ્યાલમાં રાખવું જોઈએ કે, રાજ્યની પોલીસ જે-તે કેસમાં સારી રીતે તપાસ નહીં કરી શકે. ફક્ત અમુક લોકો પત્ર લખે એટલે કોઈ કેસની તપાસ સીબીઆઈને તપાસ સોંપી દેવી જોઈએ નહીં.
આ સાથે જ સુપ્રીમે કલકત્તા હાઈકોર્ટનાં તે આદેશને ફગાવી દીધો હતો, જેમાં 18 એપ્રિલે કહેવાયું હતું કે, ગોરખાલેંડમાં શાળાઓમાં નિયુક્તિમાં ગરબડની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે છે. અમુક લોકોના પત્રોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

