કપ્તાન હરમનપ્રિત કૌરની અણનમ અર્ધસદી છતાં ભારતીય મહિલા ટીમની નિર્ણાયક મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 રને હાર થઇ

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 3 Min Read

શારજાહ તા.13 : કપ્તાન હરમનપ્રિત કૌરની અણનમ અર્ધસદી છતાં ભારતીય મહિલા ટીમની નિર્ણાયક મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 રને હાર થઇ હતી. આથી ઓસ્ટ્રેલિયા અપરાજિત રહીને સેમિ ફાઇનલમાં પહોંચી છે. જયારે ભારતનો સેમિનો આધાર સોમવારે ન્યુઝીલેન્ડ-પાકિસ્તાન મેચના પરિણામ પર નિર્ભર રહેશે. જો એ મેચમાં કિવિઝની જીત થશે તો તે સેમિમાં પહોંચશે અને ભારત બહાર થશે. જો કિવિઝની હાર થશે તો નેટ રન રેટના અધારે ભારત-ન્યુઝીલેન્ડમાંથી એક ટીમ સેમિમાં પ્રવેશ કરશે.

આજની મેચમાં 1પ2 રનના વિજય લક્ષ્ય સામે ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 142 રન કરી શકી હતી. આથી ઓસ્ટ્રેલિયાની નવ રને નિર્ણાયક જીત થઇ હતી. કપ્તાન હરમનપ્રિત 47 દડામાં 6 ચોગ્ગાથી પ4 રને નોટઆઉટ રહી હતી. 1પ2 રનના વિજય લક્ષ્યનો પીછો કરતાં ભારતની શરૂઆત નબળી રહી હતી. સ્ટાર બેટર સ્મૃતિ મંધાના ફકત છ રને અને આક્રમક ઓપનર શેફાલી વર્મા 13 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગાથી 20 રને આઉટ થઇ હતી. જેમિમાહ રોડ્રિગ્સ પણ 16 રનની ટૂંકી ઇનિંગ રમી પાછી ફરી હતી. 47 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ ભીંસમાં આવી ગઇ હતી.

- Advertisement -

દબાણ વચ્ચે કપ્તાન હરમનપ્રિત અને દીપ્તિ શર્મા વચ્ચે ચોથી વિકેટમાં પપ દડામાં 63 રનની મહત્વની ભાગીદારી થઇ હતી. દીપ્તિ 2પ દડામાં ત્રણ ચોગ્ગાથી 29 રને આઉટ થઇ હતી. રીચા ઘોષ એક રને રનઆઉટ થતાં ભારતીય મહિલા ટીમ ફરી ભીંસમાં આવી ગઇ હતી. આ પછી કપ્તાન હરમનને સામે છેડેથી સાથ મળ્યો ન હતો. અગાઉ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરનાર ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 1પ1 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવ્યો હતો. કાંગારૂ ઓપનર ગ્રેસ હેરિસે 41 દડામાં પ ચોગ્ગાથી 40 રનની સર્વાધિક ઇનિંગ રમી હતી. ઓસિ.ની શરૂઆત નબળી રહી હતી અને 17 રનમાં બેથ મૂની (2) અને જોર્જિયા વેયરહમ (0)ની વિકેટ ગુમાવી દીધી હતી.

આ પછી ગ્રેસ હેરિસ અને ઇનચાર્જ કેપ્ટન તાલિયા મેકગ્રા વચ્ચે ત્રીજી વિકેટમાં પ4 દડામાં 62 રનની ભાગીદારી થઇ હતી. મેકગ્રાએ 26 દડામાં 4 ચોગ્ગાથી 32 રન કર્યાં હતા. સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરીએ પણ ભારતીય બોલરોને હંફાવીને 23 દડામાં બે ચોગ્ગા-એક છગ્ગાથી 32 રનની ઝડપી ઇનિંગ રમી હતી. આ પછી ઝડપી રનના ચકકરમાં ઓસ્ટ્રેલિયાએ સમયાંતરે વિકેટ ગુમાવી હતી અને 20 ઓવરના અંતે 8 વિકેટે 1પ1 રને અટકી હતી. ભારત તરફથી ઝડપી બોલર રેણુકા સિંહ અને સ્પિનર દીપ્તિ શર્માએ 2-2 વિકેટ લીધી હતી. શ્રેયંકા પાટીલ, પૂજા વત્રાકર અને રાધા યાદવને 1-1 વિકેટ પ્રાપ્ત થઇ હતી.

- Advertisement -
Share This Article