Tirupati Laddu Case Update: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ મંદિરના લાડુને લઈને એવો દાવો કર્યો હતો, જેના પછી આખા દેશમાં આક્રોશની લહેર દોડી ગઈ હતી. તેમણે પ્રસાદના લાડુને ‘પશુ ચરબી’ થી અપવિત્ર કરવામાં આવ્યા હોવાનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો હતો. આવામાં રાજકીય અને ધાર્મિક હોબાળો ઉભો થયાના 16 મહિના બાદ હવે CBI ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) પોતાની તપાસ પૂરી કરીને અંતિમ ચાર્જશીટ દાખલ કરી દીધી છે, જેના પછી ફરી એકવાર રાજકીય પારો ગરમાયો છે.
ભાજપે YSRCP ને ઘેર્યું
વિજયવાડામાં મીડિયા સાથે વાત કરતા ભાજપના પ્રવક્તા સાદિનેની યામિની શર્માએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત CBI ના નેતૃત્વવાળી SIT એ તિરુપતિ લાડુ કૌભાંડમાં પોતાની ફાઈનલ ચાર્જશીટ જમા કરી દીધી છે, જેમાં ઘીમાં ભેળસેળ અને લાડુ બનાવવા માટે 36 લોકોને નામજદ કર્યા છે. SIT એ એ પણ સ્પષ્ટ કર્યું કે તેમણે લાડુ બનાવવા માટે શુદ્ધ ઘીની જગ્યાએ સિન્થેટિક ઘી સપ્લાય કર્યું હતું. આ સાથે જ તેમણે પૂર્વવર્તી YSRCP સરકારને ઘેરતા કહ્યું કે દેશના કરોડો હિંદુઓ આ નેતાઓ કે તત્કાલીન TTD ચેરમેન વાય.વી. સુબ્બા રેડ્ડીને ક્યારેય ભૂલી શકે નહીં.
ઘીમાં પશુ ચરબી મળી નથી: સુબ્બા રેડ્ડી
બીજી તરફ, YSRCP ના રાજ્યસભા સભ્ય અને પૂર્વ TTD ચેરમેન વાય.વી. સુબ્બા રેડ્ડીએ કહ્યું છે કે અંતિમ ચાર્જશીટથી એ પાક્કા પાયે સાબિત થઈ ગયું છે કે તિરુમાલા લાડુ પ્રસાદ બનાવવા માટે વપરાયેલા ઘીમાં કોઈ પશુ ચરબી કે પશુમાંથી બનેલી કોઈ વસ્તુ મળી નથી.
‘નાયડુએ માફી માંગવી જોઈએ’
તિરુમાલા લાડુ મામલે દાખલ ચાર્જશીટ પર YSRCP ના મહાસચિવ ગડિકોટા શ્રીકાંત રેડ્ડીએ સીએમ નાયડુને ઘેર્યા હતા. તેમણે કહ્યું કે ચંદ્રબાબુ નાયડુ ગંદી અને ચાલાકીભરી રાજનીતિના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમણે કોઈ પુષ્ટિ વગર કહ્યું હતું કે લાડુમાં પશુ ચરબીનો ઉપયોગ થયો છે. તેમણે વેંકટેશ્વર સ્વામીના ભક્તોની માફી માંગવી જોઈએ.
CBI એ પોતાની અંતિમ ચાર્જશીટમાં શું જણાવ્યું?
વાસ્તવમાં, ઓક્ટોબર 2024માં સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપ બાદ રચાયેલી CBI ના નેતૃત્વવાળી SIT એ 23 જાન્યુઆરી, 2026 ના રોજ નેલ્લોર સ્થિત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) કોર્ટમાં પોતાનું અંતિમ આરોપપત્ર દાખલ કર્યું છે. આ વિગતવાર દસ્તાવેજમાં મોટા પાયે ખરીદી કૌભાંડ અને જોખમી ભેળસેળની પુષ્ટિ થઈ છે, પરંતુ એ નિષ્કર્ષ નીકળ્યો છે કે પશુ ચરબી નહોતી, પરંતુ વનસ્પતિ તેલ અને પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલું સિન્થેટિક ઘી હતું.
223 પાનાની આ અંતિમ ચાર્જશીટમાં 36 વ્યક્તિઓ અને કંપનીઓ પર 2019 થી 2024 સુધી 234 કરોડ રૂપિયાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

