શ્રીનગર, તા. 11 : જમ્મુના કથુઆ જિલ્લામાં સુરક્ષા દળોને આતંકવાદ સામે મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અથડામણમાં બે આતંકીને ઠાર કર્યા છે. આ બન્ને આતંકવાદી જૈશ એ મોહમ્મદના ટોચના કમાન્ડર હતા. જેની પાસેથી એક એમ-4 અને એક એકે સિરીઝની રાઇફલ, દારૂગોળો અને ખાદ્ય સામગ્રી બરામદ થઈ છે.

આતંકીઓ સામેનું આ અભિયાન કથુઆના ખંડારા વિસ્તારમાં ચાલી રહ્યું છે. બુધવારના ખંડારા વિસ્તારમાં આતંકી હિલચાલની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી શરૂ કરી હતી. આ દરમિયાન આતંકીઓ ઘેરાઈ જતા ગોળીબાર શરૂ કર્યો હતો. બીજી તરફ સતર્ક જવાનોએ મોરચો સંભાળી લીધો હતો. કલાકો ચાલેલી અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીનો ખાત્મો કર્યો હતો. આ વિસ્તારમાં જૈશ એ મોહમ્મદના બે ટોપ કમાન્ડરનો ખાત્મો સુરક્ષા દળ માટે મોટી સફળતા છે.
સીમા પારથી સતત જમ્મુમાં અશાંતિ ફેલાવવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે અને આ માટે પાકિસ્તાન મદદ કરી રહ્યું છે. જમ્મુમાં ઘણા આતંકી સક્રિય છે. જેમાં આતંકી સંગઠનોના ટોપ કમાન્ડર પણ સામેલ છે.

