US Indian Business Crisis 2026: અમેરિકામાં ભારતીય ધંધાર્થીઓ મુશ્કેલીમાં: સ્ટોરો વેચાણ માટે મુકાયા

Arati Parmar
2 Min Read

US Indian Business Crisis 2026: અમેરિકામાં વસતા ભારતીય મૂળના ધંધાર્થીઓ, ખાસ કરીને ગેસ સ્ટેશન અને સ્થાનિક સ્ટોર માલિકો માટે ટ્રમ્પનો વર્તમાન કાર્યકાળ પડકારજનક સાબિત થઈ રહ્યો છે. ટ્રમ્પ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા માસ ડિપોર્ટેશન (ગેરકાયદે રહેવાસીઓને હાંકી કાઢવાની પ્રક્રિયા) ને કારણે ગ્રાહકોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ભારતીયોના મોટાભાગના સ્ટોરો સ્થાનિક મેક્સિકન પ્રજા પર નિર્ભર હતા, જેઓ મજૂરી કામ માટે આ સ્ટોરોનો વધુ ઉપયોગ કરતા હતા. હવે ડિપોર્ટેશનના ડરથી આ લોકોએ વિસ્તારો છોડી દીધા છે, જેની સીધી અસર ધંધા પર પડી છે.

સરકારી સહાયમાં કાપ અને કોર્પોરેટ સ્ટોરોની સ્પર્ધા

ટ્રમ્પ સરકારે સ્થાનિકોને મળતી ફૂડ સહાય (EBT) અને અન્ય સરકારી ભથ્થાઓ પર કડક નિયમો લાદ્યા છે, જેના કારણે સામાન્ય અમેરિકનોની ખરીદશક્તિ ઘટી છે. બીજી તરફ, અમેરિકન ગ્રાહકો હવે ભારતીયોના વ્યક્તિગત સ્ટોરોને બદલે ‘વાવા’, ‘સર્કલ કે’ અને ‘સેવન ઇલેવન’ જેવા મોટા કોર્પોરેટ સ્ટોરોને વધુ પસંદ કરી રહ્યા છે. ભારતીય સ્ટોરોમાં ચીજવસ્તુઓના ભાવ ઊંચા હોવાને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે કોર્પોરેટ સ્ટોરો સસ્તા ભાવે વસ્તુઓ પૂરી પાડી સ્પર્ધામાં આગળ નીકળી રહ્યા છે.

- Advertisement -

વૈશ્વિક તણાવ અને ઈંધણના ભાવમાં ધરખમ વધારો

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના માહોલને કારણે ગેસ અને ડીઝલના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. ગેસના ભાવમાં ૧.૫૦ ડોલર અને ડીઝલમાં ૨ ડોલર સુધીનો વધારો થતા ભારતીય ગેસ સ્ટેશન માલિકો માટે ‘પડ્યા ઉપર પાટુ’ જેવી સ્થિતિ સર્જાઈ છે. એક બાજુ ગ્રાહકો ઘટી રહ્યા છે અને બીજી બાજુ ઈંધણ મોંઘું થતા નફાનું પ્રમાણ નહિવત્ થઈ ગયું છે. આ આર્થિક ભીંસને કારણે અનેક ગુજરાતીઓએ પોતાના વર્ષો જૂના ધંધા વેચાણ માટે બજારમાં મુકી દીધા છે.

ટ્રમ્પના સમર્થન બાદ ભારતીયોમાં નિરાશાનો માહોલ

ચૂંટણી સમયે અનેક ભારતીયોએ ટ્રમ્પને ધંધા માટે આશીર્વાદરૂપ માનીને મોટું સમર્થન આપ્યું હતું. અગાઉના કાર્યકાળમાં મળેલી ટેક્સ રાહતો અને સસ્તી લોનની આશાએ બેઠેલા ધંધાર્થીઓને આ વખતે નિરાશા સાંપડી છે. ટ્રમ્પની કડક ઈમિગ્રેશન નીતિએ સ્ટોરોમાં કામ કરનારા સસ્તા મજૂરો અને ખરીદી કરનારા વર્ગ બંનેને પ્રભાવિત કર્યા છે. હાલમાં અમેરિકાના અનેક રાજ્યોમાં ભારતીયો પોતાના સ્ટોરો વેચીને અન્ય વ્યવસાયો તરફ વળી રહ્યા છે અથવા નુકસાન વેઠીને પણ ધંધો સમેટી રહ્યા છે.

- Advertisement -
Share This Article