કોંગ્રેસ અને TVK પર DMKનો પ્રહાર, ‘થર્ડ ફ્રન્ટ’ની તૈયારી તેજ કરી જ્ઞાનેશ કુમાર સામે કાર્યવાહી કરવાની માગ
DMK Target Congress TVK: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માગને લઈને દિલ્હી સહિત અનેક સ્થળોએ વિપક્ષી પક્ષો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટી સહિત અનેક વિદ્યાર્થી સંગઠનો પણ આ મુદ્દે રસ્તા પર ઉતર્યાં છે. આ દરમિયાન તમિલનાડુના મુખ્ય વિપક્ષી પક્ષ DMKએ પણ મતદાર યાદીના ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)નો મુદ્દો ઉઠાવ્યો. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તાત્કાલિક હટાવવાની માગ કરી. આ સાથે જ, પક્ષે ‘કોકરોચ જનતા પાર્ટી’ના નેતૃત્વ હેઠળનાં વિરોધ પ્રદર્શનોને સમર્થન આપ્યું અને કોંગ્રેસ પર પોતાના હુમલા તેજ કર્યા.
DMKનો કોંગ્રેસ અને TVK પર પ્રહાર
જે રીતે DMKએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે, તેનાથી વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા બ્લોકને ઝટકો લાગતો દેખાઈ રહ્યો છે. એવા સંકેતો મળી રહ્યા છે કે DMKની ‘થર્ડ ફ્રન્ટ’માં રુચિ વધી રહી છે. પક્ષના અધ્યક્ષ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં શનિવારે DMKના સાંસદોની બેઠક યોજાઈ, જેમાં ચાર પ્રસ્તાવો પસાર કરવામાં આવ્યા. આમાંથી એક પ્રસ્તાવમાં જ્ઞાનેશ કુમારને હટાવવા અને તેમના એકતરફી નિર્ણયોની તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે.
DMKએ 4 પ્રસ્તાવો પસાર કર્યા
અન્ય એક પ્રસ્તાવમાં કોંગ્રેસ અને થલપતિ વિજયના પક્ષ TVK પર SIRને લઈને બેવડાં ધોરણો અપનાવવાનો અને ‘રાજકીય તકવાદ’નો આરોપ મૂકવામાં આવ્યો છે. DMKએ ચૂંટણીમાં ગેરરીતિઓ સામે યુવાનો અને વિદ્યાર્થીઓનાં આંદોલનોને પણ સમર્થન આપ્યું છે. પક્ષે ખાસ કરીને SIR અને ચૂંટણી પંચ વિરુદ્ધ CJPનાં વિરોધ પ્રદર્શનોને સમર્થન આપ્યું છે.
થર્ડ ફ્રન્ટને લઈને DMKએ તૈયારીઓ તેજ કરી
આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે DMK કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ‘ઇન્ડિયા’ ગઠબંધનથી અલગ એક વ્યાપક પ્રાદેશિક મંચની શક્યતાઓ શોધી રહી છે. પક્ષના નેતાઓએ CJP અને અન્ય પ્રાદેશિક પક્ષોનો સંપર્ક કર્યો છે. આ સાથે YSR કોંગ્રેસ પાર્ટી અને BRS સાથે પણ વાતચીત કરવામાં આવી છે. DMKનાં સાંસદ કનિમોઝીએ શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે પણ મુલાકાત કરી છે.
સ્ટાલિનના પક્ષે CJPને સમર્થન આપ્યું
બેઠક બાદ કનિમોઝીએ કહ્યું કે DMK પહેલેથી જ CJPને સમર્થન આપી ચૂકી છે. શુક્રવારે તેના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાનો અર્થ એ હતો કે પક્ષ અને તેનું નેતૃત્વ પ્રદર્શનકારીઓની સાથે ઊભાં છે. DMKના પ્રસ્તાવમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે બિહાર, તમિલનાડુ અને અન્ય અનેક રાજ્યોમાં ઉતાવળમાં લાગુ કરવામાં આવેલા SIRએ વ્યવસ્થિત રીતે વાસ્તવિક મતદારોને તેમના મતાધિકારથી વંચિત કરી દીધા છે. પક્ષે ચૂંટણી પંચ પર પક્ષપાતપૂર્ણ રીતે કામ કરવાનો આરોપ પણ મૂક્યો છે.

