Afterlife in different religions: શું તમે ક્યારેય વિચાર્યું છે કે, મૃત્યુ પછી શું થાય છે? એક એવો સવાલ જેના વિશે માણસો હંમેશાથી વિચારતા આવ્યા છે. ધર્મ આપણા આ સવાલનો જવાબ આપી શકે છે, સ્વર્ગ, નર્ક અથવા પુનર્જન્મ જેવી માન્યતાઓ સાથે. દુનિયાભરમાં આશરે ૪૦૦૦ ધર્મો છે અને મર્યા પછી શું થાય છે? તે વિશે લગભગ તેટલી જ માન્યતાઓ છે. ૨૦ પ્રમુખ ધર્મો મુજબ મૃત્યુ પછીની માન્યતાઓ વિશે જાણીએ.
ખ્રિસ્તી ધર્મ આપણને જણાવે છે કે, મૃત્યુ એ અંતનું પ્રતીક નથી, પરંતુ મર્યા પછી નવું જીવન મળવાનું છે. ખ્રિસ્તી ધર્મના લોકો માને છે કે, દરેક પ્રાણીમાં આત્મા નિવાસ કરે છે અને મર્યા પછી ભગવાન તેમનો ન્યાય કરશે. ઘણા લોકોનું માનવું છે કે, તમે કાં તો સ્વર્ગમાં જાઓ છો અથવા નર્કમાં.
ઇસ્લામ શીખવે છે કે, મૃત્યુથી ડરવાને બદલે તેને સ્વીકારવું જોઈએ, કારણ કે તે અંત નથી. તેમનું માનવું છે કે, અલ્લાહ માણસની આત્મા લેવા માટે એક ફરિશ્તા મોકલે છે અને થોડા સમય પછી બે અન્ય ફરિશ્તાઓ વિશ્વાસની પરીક્ષા લે છે. મુસ્લિમોનું માનવું છે કે, જો તમે પાક (પવિત્ર) હોવ તો તમને કયામતના દિવસની રાહ જોવા માટે બરઝખ મોકલવામાં આવશે.
મોટાભાગના હિન્દુઓનું માનવું છે કે, માણસ મૃત્યુ અને પુનર્જન્મના એક ચક્રમાંથી પસાર થાય છે, જેને સંસાર અથવા પુનર્જન્મ કહે છે. માણસ બીજા શરીર અને ત્યાં સુધી કે કોઈ પ્રાણીના રૂપમાં પણ ફરીથી જન્મ લઈ શકે છે. કેટલાક હિન્દુઓનું માનવું છે કે, માણસ મોક્ષના સહારે પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ મેળવી લે છે.
બૌદ્ધ ધર્મ અનુસાર, જીવન અને મૃત્યુ સતત ચાલતી પ્રક્રિયા છે. એકવાર મૃત્યુ થયા પછી આત્મા ચાલતી રહે છે અને એકથી વધુ વાર જન્મ લઈ શકે છે. ઘણા લોકોનું માનવું છે કે, પુનર્જન્મ ક્યારે, ક્યાં અને કેવી રીતે થાય છે તે વ્યક્તિના એકઠા થયેલા કર્મો દ્વારા નિર્ધારિત થાય છે.
શીખોનું માનવું છે કે, મૃત્યુ પછી આત્મા પોતાના કર્મોના આધારે પુનર્જન્મ પ્રાપ્ત કરે છે અને ભગવાનનું ધ્યાન કરવાની સાથે અહંકાર પર નિયંત્રણ કરવાથી પુનર્જન્મ ચક્રમાંથી મુક્તિ મળી શકે છે.
યહૂદી ધર્મમાં મર્યા પછીના જીવનને લઈને અલગ-અલગ માન્યતાઓ છે. યહૂદી ધર્મ અનુસાર, મૃત્યુ એ માણસના અસ્તિત્વનો અંત નથી. મરેલા લોકોનું ફરીથી જીવિત થઈ જવું પણ આ ધર્મના એક પાયાના વિશ્વાસની વાર્તા છે.
બહાઈ ધર્મ જણાવે છે કે, મર્યા પછી આત્મા પોતાની યાત્રા સતત ચાલુ રાખે છે, આધ્યાત્મિક દુનિયામાંથી પસાર થવા સાથે શરીર માટીમાં મળી જાય, પરંતુ આત્મા આઝાદી અને ખુશી અનુભવે છે. બહાઈ માને છે કે, આત્માની પ્રગતિમાં ભગવાનની કૃપા અને જીવતા લોકોના નેક કર્મો અને પ્રાર્થનાઓથી સહાયતા મળે છે. મૃત્યુને ડરામણી વસ્તુ તરીકે જોવામાં આવતું નથી.
જૈન ધર્મ, જે ભારતનો એક પ્રમુખ ધર્મ હોવાની સાથે દુનિયાના સૌથી પ્રાચીન ધર્મોમાંનો એક છે. જૈન ધર્મ અનુસાર, આત્મા હંમેશા રહે છે અને જન્મ અને પુનર્જન્મના ચક્રમાંથી પસાર થાય છે. આત્માને કર્મથી સ્વતંત્ર કરીને મુક્તિ મેળવવાની છે, જે તેને પુનર્જન્મના ચક્રથી બાંધે છે. જૈનો માને છે કે, સારા કર્મનો રસ્તો પૂરી રીતે અહિંસક જીવન જીવવું છે.
જોરોસ્ટ્રિયન (પારસી) ધર્મ અનુસાર, મૃત્યુ પછી આત્માનો ચિનવટ બ્રિજ પર ન્યાય થાય છે, જે કાં તો સ્વર્ગ તરફ લઈ જાય છે અથવા નર્ક તરફ. જોરોસ્ટ્રિયન ધર્મ સારા વિચારો, સારી વાતો અને સારા કર્મો પર વિશ્વાસ કરે છે. તેમના મુજબ તમામ આત્માઓ સમયના અંતમાં શુદ્ધ થઈ જશે અને ભગવાન પાસે પાછી ફરી જશે.
જાપાનમાં શરૂ થયેલો શિન્ટો ધર્મ, જે એક સ્થાનિક ધર્મ હોવા છતાં દુનિયાભરમાં તેના આશરે ૩ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. મર્યા પછીના જીવન વિશે શિન્ટો દ્રષ્ટિકોણ આ વિચારની આસપાસ ફરે છે કે, આત્મા શરીરના મૃત્યુ પછી પણ જીવિત રહે છે અને જીવતા લોકોની સહાયતા કરે છે. આ ધર્મને માનનારાઓનું કહેવું છે કે, મર્યા પછી માણસ પવિત્ર આત્મા બની જાય છે.

