અમદાવાદ : અમદાવાદ શહેરમાં રવિવારે યોજનારી ભગવાન જગન્નાથની 147મી રથ યાત્રાની તમામ કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જેમાં રથયાત્રાનો પ્રારંભ થાય તે પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીને ત્રણેય રથમાં બિરાજમાન કરાય ત્યાર પછી રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સાફ કરાય છે. દેશનો રાજા હોય તે સોનાની સાવરણી લઈને રથયાત્રાના પ્રારંભિક રસ્તાની સફાઈ કરે છે. પરંતુ હાલ રાજ્યના મુખ્યપ્રધાન રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સાફ કરે છે અને ત્યાર પછી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. આને રથયાત્રામાં પહિંદ વિધિ કહેવાય છે.
રથયાત્રામાં સૌથી વધુ વખત પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો
ઓરિસ્સાના પુરીની રથયાત્રામાં પહિંદ વિધિ કરાય છે. જેને પગલે અમદાવાદની રથયાત્રામાં પહિંદ વિધિ કરવાની પરંપરા ચાલી આવે છે. અમદાવાદની રથયાત્રામાં સૌથી વધુ વખત પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે. બાર વર્ષ તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા, અને બારેય વર્ષ નરેન્દ્ર મોદીએ રથયાત્રામાં આવીને પહિંદ વિધી કરીને રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ સતત ત્રીજી વખત રથયાત્રાની પહિંદ વિધિ કરશે

147મી રથયાત્રા અષાઢી બીજને 07 જૂલાઈ રવિવારે નીકળનાર છે. ત્યારે આ વર્ષે રથયાત્રામાં પહિંદ વિધિ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સતત ત્રીજી વખત રથયાત્રાની પહિંદ વિધિ કરશે. રથયાત્રાને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, અને અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ચુક્યો છે. જમાલપુર મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. મંદિરમાં પ્રસાદની તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રાની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

