Mission Mausam India: તકનીકી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા, ભારતીય વૈજ્ઞાનિકોએ 3D-પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્વદેશી રીતે નિર્મિત સ્વયંસંચાલિત હવામાન સ્ટેશનો (AWS) વિકસાવવાનું શરૂ કરી દીધું છે. આનો ઉદ્દેશ્ય દેશભરમાં અંતિમ છેડા સુધી હવામાન સંબંધી દેખરેખને મજબૂત કરવાનો છે. આગામી પેઢીના આ સ્ટેશનોની પ્રથમ બેચ ફેબ્રુઆરીથી રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થાપિત કરવામાં આવશે.
આ પહેલ ‘મિશન મૌસમ’ યોજનાનો હિસ્સો
રિપોર્ટ મુજબ સરકારે ભારતની હવામાનની માહિતી અને આગાહી સુધારવા માટે એક મોટી યોજના શરૂ કરી છે. આ ‘મિશન મૌસમ’ નામની યોજના છે, જેના પર ૨,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ યોજનાનું નેતૃત્વ પુણેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિયોરોલોજી (IITM) કરી રહ્યું છે, જે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ કામ કરે છે.
શું છે ઉદ્દેશ્ય?
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES) ના સચિવ ડૉ. એમ. રવિચંદ્રને જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય અવલોકન નેટવર્કનો એટલો વ્યાપક વિસ્તાર કરવાનો છે કે ડેટાની ઉણપ દૂર થઈ જાય. તાપમાન, પવન, ભેજ અને વરસાદ જેવા માપદંડોને વધુ સ્થળોએ નોંધવાથી સ્થાનિક સ્તરે વધુ સચોટ આગાહી શક્ય બનશે. અમે દિલ્હી જેવા મોટા શહેરોથી શરૂઆત કરીશું અને આ સ્ટેશનો સૌર ઉર્જાથી સંચાલિત હશે.
પહેલા મોટા શહેરો પર ફોકસ
મૌસમ મિશન હેઠળ, અવલોકન સંબંધિત પાયાની સુવિધાઓને મજબૂત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, ખાસ કરીને શહેરી હવામાન વિજ્ઞાનના ક્ષેત્રમાં. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા શહેરોમાં આગામી છ મહિનામાં સ્વયંસંચાલિત હવામાન પ્રણાલી (AWS) અને રડાર સ્થાપનાઓનો ઝડપથી વિસ્તાર થવાની અપેક્ષા છે.
કેવી રીતે કામ કરશે 3D સ્વયંસંચાલિત હવામાન સ્ટેશન?
પરંપરાગત હવામાન વેધશાળાઓની સરખામણીમાં AWS હવામાનનો ડેટા પોતાની મેળે માપે છે અને મોકલે છે. આનાથી ચલાવવાનો ખર્ચ ઘણો ઓછો થઈ જાય છે. પરંતુ, જાણકાર લોકો એ વાત પર ભાર મૂકે છે કે આ મશીનોને યોગ્ય રીતે કેલિબ્રેટ કરવા અને તેમની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. આ વર્ષની શરૂઆતમાં સચોટતાનું મહત્વ ત્યારે વધુ સ્પષ્ટ થયું જ્યારે અમુક સમસ્યાઓ સામે આવી.
ભારતીય હવામાન વિભાગ (IMD) ના કેટલાક AWS એ ખૂબ જ વધારે તાપમાન બતાવ્યું હતું. પાછળથી જાણવા મળ્યું કે કાં તો તેમના સેન્સર ખરાબ હતા અથવા તેઓ એવી જગ્યાએ લગાવવામાં આવ્યા હતા જ્યાંની પરિસ્થિતિઓ યોગ્ય નહોતી.

