Hardik Pandya Mumbai Indians Trade.: IPLની આગામી સિઝન પહેલાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં મોટા ફેરફારો થવાની ચર્ચા તેજ બની છે. ભારતના ભૂતપૂર્વ ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને રોહિત શર્માના ભવિષ્ય, હાર્દિક પંડ્યાની મુંબઈ ઇન્ડિયન્સ છોડવાની શક્યતા અને ટીમની ભાવિ કપ્તાની અંગે અનેક દાવા કર્યા છે. અશ્વિનનું માનવું છે કે હિટમેન રોહિત શર્મા હાલમાં નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યા નથી અને તેઓ મહેન્દ્ર સિંહ ધોનીની જેમ હજુ ઘણાં વર્ષો સુધી રમતા જોવા મળી શકે છે.
નમન ધીરને મુંબઈનો નવો કપ્તાન બનાવો.
રોહિત શર્માની IPL કારકિર્દી અંગે વાત કરતાં અશ્વિને એમએસ ધોનીનું ઉદાહરણ આપ્યું હતું. પોતાની યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન અશ્વિને કહ્યું હતું, “અમે જાણતા નથી કે રોહિત માત્ર એક વર્ષ વધુ રમશે કે તેનાથી પણ વધુ સમય સુધી રમવાનું ચાલુ રાખશે. ધોની વિશે પણ આવી જ વાતો કહેવામાં આવતી હતી, પરંતુ તેઓ વર્ષોથી રમી રહ્યા છે અને આગામી સિઝનમાં પણ ખેલાડી તરીકે પાછા આવી શકે છે. આ ઉપરાંત, નમન ધીરની સ્પષ્ટ વિચારશક્તિ અને મેદાન પરના શાંત સ્વભાવને જોતાં હું ભવિષ્યમાં તેમને કપ્તાનીના વિકલ્પ તરીકે નકારીશ નહીં.”
રોહિતની શાનદાર કારકિર્દી.
જો IPLમાં રોહિત શર્માના આંકડા પર નજર કરીએ તો તેઓ આ લીગના સૌથી સફળ બેટ્સમેન અને કપ્તાનોમાંના એક રહ્યા છે. રોહિતે 281 મેચમાં 29.91ની સરેરાશ અને 132.92ના સ્ટ્રાઇક રેટથી 7329 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને 49 અડધી સદીનો સમાવેશ થાય છે. 2008માં ડેક્કન ચાર્જર્સ સાથે કારકિર્દીની શરૂઆત કરનાર રોહિતે કુલ 6 IPL ખિતાબ જીત્યા છે. તેમાંથી 5 ટ્રોફી (2013, 2015, 2017, 2019, 2020) તેમણે મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન તરીકે જીતી હતી.
પંજાબ કિંગ્સ સાથે પણ ચાલી રહી છે વાતચીત.
બીજી તરફ, અશ્વિને એવો પણ સંકેત આપ્યો છે કે મુંબઈ ઇન્ડિયન્સ પોતાના કપ્તાન હાર્દિક પંડ્યાને ટ્રેડ દ્વારા ટીમમાંથી છૂટા કરી શકે છે. ટ્રેડની સંભાવનાઓ અંગે અશ્વિને કહ્યું હતું, “લગભગ નક્કી છે કે હાર્દિક હવે મુંબઈ ઇન્ડિયન્સ સાથે નહીં રહે, સિવાય કે ફ્રેન્ચાઇઝી છેલ્લી ઘડીએ તેમને જાળવી રાખવાનો પ્રયાસ કરે. મને લાગે છે કે તેમનો ટ્રેડ થવો નક્કી છે. મુંબઈ ઇન્ડિયન્સ ટ્રેડના બદલામાં કોઈ લેગ સ્પિનરની શોધ કરી શકે છે. એટલું જ નહીં, પંજાબ કિંગ્સ પાસેથી હાર્દિકના બદલામાં ભારતીય ડાબોડી ફાસ્ટ બોલરને મેળવવાની પણ ચર્ચા ચાલી રહી છે.”

