નવી દિલ્હી, તા. 18 : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પૂર્વ દિગ્ગજ ઓપનર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનાવવાનો વિચાર કરી રહ્યું છે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી20 વિશ્વકપ 2024 બાદ સમાપ્ત થઈ રહ્યો છે. તે નવેમ્બર 2021થી ભારતીય ટીમનો મુખ્ય કોચ છે. કહેવાય છે કે હવે દ્રવિડ પદ સંભાળવાની તૈયારીમાં નથી. તેવામાં બીસીસીઆઈ દ્વારા નવા હેડ કોચથી શોધ કરવામાં આવી રહી છે.
42 વર્ષિય ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટોર છે. કેકેઆર આઈપીએલ 2024મા એન્ટ્રી લેનારી પહેલી ટીમ છે. અહેવાલ અનુસાર બીસીસીઆઈએ મુખ્ય કોચની જવાબદારી માટે ગંભીરનો સંપર્ક કર્યો છે. કેકેઆરનું આઈપીએલમાં અભિયાન પૂરું થયા બાદ આ મામલે વધુ ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે. આઈપીએલ ફાઈનલ 26 મેના રમાશે. જ્યારે હેડ કોચ માટે ઉમેદવાર 27 મે સુધી આવેદન કરી શકે છે. નવો કોચ એક જુલાઈ 2024થી ડિસેમ્બર 2027 સુધી જવાબદારી સંભાળશે. ગંભીરને આંતરરાષ્ટ્રીય કે ઘરેલુ સ્તરે કોચિંગનો કોઈ અનુભવ નથી. તે બે આઈપીએલ ફ્રેન્ચાઈઝીમાં કોચિંગ સ્ટાફનો પ્રભારી રહી ચૂક્યો છે.
![]()
ગંભીર આઈપીએલ 2022 અને 2023મા એલએસજીનો મેન્ટોર હતો. એલએસજીએ સતત બે સીઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાઈ કર્યું છે. તે 17મી સિઝનમાં કેકેઆર સાથે જોડાયો હતો. ગંભીર 2007મા ટી20 વિશ્વકપ અને 2011મા વનડે વિશ્વકપ જીતનારી ટીમનો હિસ્સો હતો. તેણે 2011થી 2017 સુધી સાત આઈપીએલ સીઝનમાં કેકેઆરની કેપ્ટનશીપ કરી હતી અને ટીમ પાંચ વખત પ્લેઓફમાં પહોંચી હતી. તેના નેતૃત્વમાં કેકેઆરએ 2012 અને 2014મા ખિતાબ પણ જીત્યો હતો. ગંભીરે ભારત માટે 58 ટેસ્ટ, 147 વનડે અને 37 ટી20 આંતરરાષ્ટ્રીય રમ્યા છે.
