IND vs SA Test: ભારતની શરમજનક હાર: ૧૨૪ રનનો ટાર્ગેટ પણ ચેઝ ન કરી શકી ટીમ ઇન્ડિયા, વેંકટેશ પ્રસાદે ગંભીર અને અગરકર પર સાધ્યું નિશાન!

Arati Parmar
3 Min Read

IND vs SA Test: દક્ષિણ આફ્રિકા સામે કોલકાતામાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતને ત્રીજા દિવસે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે પહેલા બે દિવસમાં મેચ પોતાના પક્ષમાં કરી દીધી હતી, પરંતુ ત્રીજા દિવસે ટીમ સંપૂર્ણપણે વેર-વિખેર થઈ ગઈ. 124 રનના સરળ ટાર્ગેટનો પીછો કરતાં ભારત માત્ર 93 રનમાં ઓલઆઉટ થઈ ગયું. હવે આ હાર બાદ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે ટીમ મેનેજમેન્ટ અને પસંદગી સમિતિ પર સવાલ ઉઠાવ્યા છે.

વેંકટેશ પ્રસાદનો સિલેક્ટર્સ અને ગંભીર પર પ્રહાર

- Advertisement -

વેંકટેશ પ્રસાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘આપણે વ્હાઇટ બોલના ક્રિકેટમાં શાનદાર રહ્યા છીએ, પરંતુ આ પ્રકારના પ્લાનિંગ સાથે આપણે ખુદને ટોપ ટેસ્ટ ટીમ ન કહી શકીએ. પસંદગીમાં સ્પષ્ટતાનો અભાવ અને ઓવર-ટ્રેક્ટિકલ વિચારસરણી ટીમને નુકસાન પહોંચાડી રહી છે. છેલ્લા એક વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં પરિણામો ખૂબ જ નિરાશાજનક રહ્યા છે.’

- Advertisement -

તેમણે સીધા કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકરને જવાબદાર ઠેરવ્યા છે. ગંભીરે કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યાર બાદથી ભારતનો ટેસ્ટ રૅકોર્ડ સતત ચર્ચામાં રહ્યો છે. પ્રસાદના મતે ટીમમાં ઠોસ યોજના વિના ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેનાથી સ્થિરતા પ્રભાવિત થઈ રહી છે.

શુભમન ગિલની ઈજાના કારણે મુશ્કેલી વધી

ભારતીય કૅપ્ટન શુભમન ગિલ બીજી ઇનિંગમાં બેટિંગ કરવા નહોતો ઉતર્યો. પ્રથમ ઇનિંગમાં ત્રણ બોલ રમીને જ ગરદનમાં ઈજાના કારણે રિટાયર હર્ટ થયેલા ગિલને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ટીમની બેટિંગ પહેલાથી જ દબાણમાં હતી અને કૅપ્ટનની ગેરહાજરીએ પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવી દીધી હતી.

દક્ષિણ આફ્રિકાના સ્પિનર્સ બન્યા જીતના હીરો

આ મેચમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી મોટું અંતર તેમના સ્પિનરોએ ઊભું કર્યું. સાઇમન હાર્મરે મેચમાં કુલ આઠ વિકેટ લીધી (બંને ઇનિંગમાં 4-4 વિકેટ). બીજી તરફ કેશવ મહારાજે બીજી ઇનિંગમાં બે બોલમાં બે વિકેટ લઈને ભારતને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધું. તેમની બોલિંગે ભારતીય બેટ્સમેનોને ક્યારેય સંભાળવા ન દીધા અને દક્ષિણ આફ્રિકાને સીરિઝમાં 1-0થી લીડ અપાવી દીધી.

તેમ્બા બાવુમાની લડાયક ઇનિંગ

બીજી ઇનિંગમાં જ્યારે દક્ષિણ આફ્રિકા 91/7 પર સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે કૅપ્ટન તેમ્બા બાવુમાએ 55* રનની લડાયક ઈનિંગ રમીને ટીમને સન્માનજનક સ્કોર (153) સુધી પહોંચાડી. મેચમાં તેની આ ઇનિંગ નિર્ણાયક સાબિત થઈ.

Share This Article