આજે ઇંગ્લેન્ડ સામે ભારતની મહત્વની મેચ
આજે ઇંગ્લેન્ડ સામે ભારતની મહત્વની મેચ
લખનૌ, તા. 28 : વિજયરથ ઉપર સવાર ટીમ ઈન્ડિયા હવે આવતીકાલે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે રમવા ઊતરશે, ત્યારે રોહિતસેના વધુ એક વિજયના ઈરાદે ઊતરશે. આ મેચ લખનૌના ભારતરત્ન અટલબિહારી વાજપેઈ ઈકાના સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ઈંગ્લેન્ડ ઉપર જીતનું દબાણ રહેશે. કારણ કે, ઈંગ્લિશ ટીમ સતત હારી રહી છે અને વિશ્વકપની બહાર ફેંકાવાની અણી પર છે. તો બીજી તરફ ભારતીય ટીમ અત્યાર સુધીની તમામ મેચમાં જીતી છે અને હવે ટીમ ઈન્ડિયા કાલે ઈલેવનમાં અમુક ફેરફાર પણ કરી શકે છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ધર્મશાળામાં ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડયાની ઈજા અને શાર્દુલ ઠાકુરના ખરાબ ફોર્મનાં કારણે મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવને ટીમમાં સ્થાન આપ્યું હતું. પંડયા હજી પણ આગામી ઘણી મેચમાં બહાર રહી શકે છે. હાર્દિક પંડયાના ગોઠણમાં ગ્રેડ-1 સ્નાયુબંધ ફાટયા હોવાની આશંકા છે. જેના કારણે વિશ્વકપની અન્ય મેચમાં તે રમી શકશે કે કેમ તે અંગે સવાલ ઊઠી રહ્યા છે. તેવામાં એવી સંભાવના છે કે, ન્યૂઝીલેન્ડ સામે જે પ્લેઈંગ ઈલેવન સાથે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઊતરી હતી તે જ સંયોજન સાથે ટીમ ઈંગ્લેન્ડ સામે પણ રમશે. આ દરમિયાન હરભજનસિંહે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનને લઈને સૂચન કર્યું છે. ભજ્જીના કહેવા પ્રમાણે લખનૌની ધીમી વિકેટ સ્પિનરોને મદદ કરે તેવી છે. તેવામાં ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઊતરવું જોઈએ. હરભજનસિંહે ટીમમાં રવિચંદ્રન અશ્વિનને પણ રમાડવાનું સૂચન કર્યું છે. આ ઉપરાંત ફોર્મ વિહોણા મોહમ્મદ સિરાજને આરામ આપવાની વાત કરી છે. હાર્દિક બંગલાદેશ સામે 19મી ઓક્ટોબરના રમાયેલી મેચમાં ત્રણ બોલ ફેંક્યા બાદ ઈજાગ્રસ્ત થયો હતો. તેની જગ્યાએ કોહલીએ ત્રણ બોલ ફેંક્યા હતા. બાદમાં પંડયા મેદાનમાં પરત ફર્યો નહોતો. ન્યૂઝીલેન્ડ સામે મેચમાં હાર્દિકની જગ્યાએ સૂર્યકુમાર યાદવને તક આપવામાં આવી હતી, જે મેચમાં બે રન જ બનાવી શક્યો હતો. વિરાટ કોહલી સાથે એક રન લેવાના ચક્કરમાં તે રનઆઉટ થયો હતો. જો કે, પૂરી સંભાવના છે કે, ઈંગ્લેન્ડ સામે પણ સુર્યકુમારને તક આપવામાં આવશે. આ ઉપરાંત શમીએ પણ પાંચ વિકેટ લેતાં તેને વધુ તક આપવામાં આવી શકે છે. શમીએ ન્યૂઝીલેન્ડ સામે 54 રન આપીને પાંચ વિકેટ લીધી હતી અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેવામાં હવે ઈંગ્લેન્ડ સામે પણ ન્યૂઝીલેન્ડ સામે જે ઈલેવન ઉપયોગમાં લેવામાં આવી હતી તે જ ઈલેવન ઈંગ્લેન્ડ સામે જોવા મળી શકે છે.
