વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડના CEOએ આવકના મોડેલ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- આ વ્યવસ્થાએ બોર્ડને કંગાળ બનાવ્યું
IND vs WI Series Revenue: વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડના CEO ક્રિસ ડેહરિંગે દ્વિપક્ષીય સિરીઝમાંથી થતી કમાણીના મોડેલ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ODI અને T20 સિરીઝમાંથી વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડને કોઈ કમાણી થશે નહીં. આ સાથે તેમણે કહ્યું કે આવકના આ જ મોડેલને કારણે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ કંગાળ બન્યું છે અને હવે વધુ કંગાળ થઈ રહ્યું છે.
અંદાજ છે કે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ODI અને T20 સિરીઝમાંથી BCCIને ₹200 કરોડથી વધુની આવક થશે. તેમાં પ્રસારણ અધિકારથી લઈને સ્ટેડિયમની ટિકિટના વેચાણ અને અન્ય માધ્યમોથી થતી કમાણીનો સમાવેશ થાય છે. જોકે, વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડને આ આવકમાંથી કોઈ હિસ્સો આપવામાં આવશે નહીં. આ સિરીઝના બદલામાં ભારત વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ કરશે અને તે પ્રવાસમાંથી થતી કમાણી વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ પાસે રહેશે.
આવકના મોડેલ પર ઉઠ્યા સવાલો
ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ (CWI)ના CEOએ દ્વિપક્ષીય ક્રિકેટને નિયંત્રિત કરતા આવકના મોડેલ પર સવાલો ઉઠાવતાં જણાવ્યું છે કે આ વ્યવસ્થા બોર્ડની વર્તમાન નાણાકીય મુશ્કેલીઓમાં વધારો કરી રહી છે. વિઝડન ક્રિકેટના ‘ધ સ્કૂપ’ સાથે વાત કરતાં ડેહરિંગે જણાવ્યું કે આ આવકના મોડેલને કારણે મહેમાન ટીમોને દ્વિપક્ષીય મેચોમાંથી મળતી પ્રસારણ આવકમાં હિસ્સો મળતો નથી.
ક્રિસ ડેહરિંગે શું કહ્યું?
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડના પ્રમુખે કહ્યું, “આ કિસ્સામાં વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટને કંઈ જ મળી રહ્યું નથી, કારણ કે આ સિરીઝ ભારતમાં રમાઈ રહી છે. ભારતમાં 20થી 30 મિલિયન ડૉલરની કમાણી કરતી આ સિરીઝ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટને કોઈ આવક આપી રહી નથી.”
ડેહરિંગે આ સમસ્યાનું મૂળ વર્ષ 1997માં હોવાનું જણાવ્યું, જ્યારે ICCના 10 સભ્ય દેશોમાંથી નવ દેશોએ ક્રિકેટની નાણાકીય વ્યવસ્થા બદલવા માટે મતદાન કર્યું હતું. આ નિર્ણય પહેલાં યજમાન દેશ સામાન્ય રીતે મહેમાન ટીમોને નિશ્ચિત ફી ચૂકવતા હતા. તેના કારણે કેટલીક વખત વેસ્ટ ઇન્ડીઝને પોતાના દેશમાં મેચો યોજવા કરતાં પ્રવાસ માટે મળતી ફીમાંથી વધુ કમાણી થતી હતી.
1997માં શરૂ થયું વર્તમાન મોડેલ
ડેહરિંગે કહ્યું, “આ બધું કેવી રીતે થયું તે સમજવા માટે તમારે 1997માં પાછા જવું પડશે. હું નસીબદાર હતો અથવા કદાચ કમનસીબ, કારણ કે તે સમયે હું હાજર હતો, જ્યારે ICCના સભ્ય દેશોએ વિશ્વ ક્રિકેટની નાણાકીય વ્યવસ્થા બદલવા માટે મતદાન કર્યું હતું. ત્યાં સુધી વેસ્ટ ઇન્ડીઝ એક ખૂબ જ આકર્ષક ટીમ હતી અને દરેક દેશ ઇચ્છતો હતો કે અમે તેમના દેશમાં પ્રવાસ કરીએ. અમને પ્રવાસ માટે ફી મળતી હતી, જે ઘણી વખત કેરેબિયનમાં સિરીઝનું આયોજન કરીને થતી કમાણી કરતાં ઘણી વધારે હતી.”
યજમાન ટીમને મળે છે સંપૂર્ણ આવક
દ્વિપક્ષીય સિરીઝનું આયોજન કરતો દેશ પોતાના પ્રસારણ અધિકારોમાંથી મળતી સંપૂર્ણ આવક પોતાની પાસે રાખી શકતો હતો. ડેહરિંગે દલીલ કરી કે આના કારણે મોટા દર્શકવર્ગ ધરાવતા દેશો અને નાના ક્રિકેટ રમતા દેશો વચ્ચે મોટું અસંતુલન ઊભું થયું.
તેમણે કહ્યું, “આનો અર્થ એ હતો કે ભારત દોઢ અબજની વસ્તીમાંથી પેદા થતી આવક પોતાની પાસે રાખી શકે છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ એન્ટિગુઆ (લગભગ 100,000ની વસ્તી) અથવા સેન્ટ કિટ્સ (લગભગ 30,000ની વસ્તી)માંથી પેદા થતી આવક પોતાની પાસે રાખી શકે છે. આ સંપૂર્ણ અન્યાય હતો. ICCના સભ્ય દેશોએ અમને 9 સામે 1ના મતથી હરાવ્યા હતા. તે સમયે મેં કહ્યું હતું કે આ નિર્ણયે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના અંત પર મહોર મારી દીધી છે, કારણ કે તેણે અમારી આવકનો મુખ્ય સ્ત્રોત છીનવી લીધો હતો.”

