2036 ઓલિમ્પિક અને પેરાલિમ્પિકની યજમાની માટે ભારતનો પ્રસ્તાવ, 6 દેશો સાથે સ્પર્ધા
India 2036 Olympics: ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)એ ગુરુવારે વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન દ્વારા 2036 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોની યજમાની માટે ભારતનું વિઝન અને પ્રસ્તાવિત રોડમેપ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના ફ્યુચર હોસ્ટ કમિશન સમક્ષ રજૂ કર્યો. ભારતની નેશનલ ઓલિમ્પિક કમિટી (NOC) તરફથી IOAનાં અધ્યક્ષ પીટી ઉષા, CEO રઘુરામ અય્યર અને IOA એથ્લેટ્સ કમિશનનાં અધ્યક્ષ પીવી સિંધુએ આ પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ દરમિયાન ભારતનાં IOC સભ્ય નીતા અંબાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
ભારતે પોતાની તૈયારીઓ વિશે માહિતી આપી
આ પ્રેઝન્ટેશનમાં અમદાવાદની તૈયારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં રમતગમતનાં માળખાકીય સાધનો અને શહેર, રાજ્ય તથા કેન્દ્ર સરકારના અધિકારીઓ દ્વારા IOAને આપવામાં આવતા સહયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, મોટા આંતરરાષ્ટ્રીય રમતોત્સવોની યજમાની કરવાનો ભારતનો અનુભવ, પ્રસ્તાવિત સ્થળોના વિકાસની યોજનાઓ અને આ રમતોના આયોજન માટેના લાંબા ગાળાના વિઝનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે
ભારતના પ્રસ્તાવિત યજમાની મોડલના કેન્દ્રમાં અમદાવાદ છે. આ શહેર 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું હોવાથી વિશ્વસ્તરીય રમતગમત સંકુલો અને સહાયક માળખાકીય સુવિધાઓનો વિકાસ 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની તૈયારીઓનો મહત્ત્વનો ભાગ માનવામાં આવ્યો છે.
આ પ્રેઝન્ટેશન દ્વારા કમિશનને પ્રોજેક્ટના આગેવાનો પાસેથી સીધી માહિતી મેળવવાની તક મળી કે રમતો અંગે તેમનું વિઝન શું છે. તેનાથી કઈ વિરાસત અને અસર ઊભી થવાની આશા છે. તેમનો પ્રોજેક્ટ સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય વિકાસ યોજનાઓ સાથે કેવી રીતે જોડાયેલો છે. તેમનો વેન્યૂ માસ્ટરપ્લાન શું છે. તેમને કયા પ્રકારનો સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સહયોગ મળી રહ્યો છે અને તેમની ફંડિંગ સ્ટ્રેટેજી શું છે.
ભારત સામે 6 દેશોનો પડકાર
ભારત ઉપરાંત હંગેરી, કતાર, દક્ષિણ આફ્રિકા, તુર્કીયે, જર્મની અને દક્ષિણ કોરિયા પણ યજમાની માટે દાવેદારી રજૂ કરી રહ્યા છે. આ બેઠકમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્ર તથા ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રેઝન્ટેશન લગભગ અડધો કલાક ચાલ્યું હતું. ત્યારબાદ ફ્યુચર હોસ્ટ કમિશન અને ભારતના પ્રતિનિધિઓ વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી. ભારત એવા સાત દેશોમાં સામેલ છે, જે હાલમાં IOC સાથે સતત સંવાદના તબક્કામાં છે. આશા છે કે માર્ચ 2027માં આ પ્રક્રિયા વ્યૂહાત્મક સંવાદના તબક્કામાં પહોંચી જશે.

