નેધરલૅન્ડ સામે ભારતનો ભવ્ય વિજય
નેધરલૅન્ડ સામે ભારતનો ભવ્ય વિજય
410ના મહાકાય સ્કોર સાથે ભારત નવમી જીત
બેંગ્લોર, તા. 12 : અહીં ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર આક્રમક ફટકાબાજીની આતશબાજી કરી ધૂમધડાકા કરતાં ટીમ ઇન્ડિયાએ દિવાળીની ઉજવણી રૂપે નેધરલેન્ડ્સને 411 રનનું પડકારરૂપ લક્ષ્ય આપ્યું હતું. શ્રેયસ (અણનમ 128) અને રાહુલ (102)ની શાનદાર સદીઓની મદદથી ભારતે લગાતાર નવમી જીતનો મજબૂત પાયો નાખ્યો હતો અને ક્રિકેટરસિક સમુદાયને દિવાળીની અનોખી ભેટ આપી હતી. છેલ્લા સમાચાર મુજબ નેધરલેન્ડસે 24મી ઓવરમાં ત્રણ વિકેટે 110 રન બનાવ્યા હતા. ટીમને જીત માટે 26 ઓવરમાં વધુ 301 રનની જરૂર હતી. સ્કોટ એડવર્ડ 17 અને એંગલબ્રેટ 21 રને દાવમાં હતા. વિશ્વકપના અંતિમ લીગ મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરતાં માત્ર ચાર વિકેટ ખોઇને 410 રનનો મહાકાય સ્કોર?ખડકી દીધો હતો. શ્રેયસ, રાહુલની ઝંઝાવાતી સદીઓ ઉપરાંત આજની મેચમાં મહત્ત્વના ઘટનાક્રમ રૂપે ટોચની હરોળના પાંચ બેટધરોએ અર્ધસદી કરી હતી. આવી સફળતા મેળવનાર ભારત બીજી ટીમ બની છે. સળંગ આઠ વિજય સાથે `અજેય’ રહેતી આત્મવિશ્વાસથી છલકાતી ટીમ ઈન્ડિયાના બેટધરોએ નેધરલેન્ડસના બોલરો તેમજ ફિલ્ફરોને સતત દોડતા રાખ્યા હતા. સુકાની રોહિત શર્મા (61) અને શુભમન ગિલ (પ1)ની જોડીએ પહેલી વિકેટ માટે જ 100 રનની ભાગીદારી કરીને શરૂઆતથી જ હરીફ ટીમ પર દબાણ લાવવાનું શરૂ કરી દીધું હતું. વિરાટ કોહલીએ પણ પાંચ ચોગ્ગા, એક છગ્ગા સાથે તેની કારકિર્દીની 71મી અર્ધસદી ફટકારી હતી. છેલ્લા દડા સુધી ક્રિઝ પર ટકી રહેલા શ્રેયસે 94 દડામાં 10 ચોગ્ગા, પાંચ છગ્ગા સાથે 128 રન ફટકારી દીધા હતા. એ જ રીતે ઊર્જાભેર રમતા રાહુલે માત્ર 64 દડામાં 11?ચોગ્ગા, ચાર છગ્ગા સાથે 102 રન ઝૂડી દીધા હતા.
