Indian Cricket World Dominance: વિશ્વ ક્રિકેટમાં વધતું ભારતનું કદ, છેલ્લા બે વર્ષમાં જીતી સાત મોટી ટ્રોફી; પુરુષોનો દબદબો યથાવત

Arati Parmar
5 Min Read

Indian Cricket World Dominance: ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક વર્ષોથી સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે જેના કારણે વૈશ્વિક ક્રિકેટમાં ભારતનું કદ સતત વધી રહ્યું છે. ભારતે છેલ્લા બે વર્ષમાં છ વિશ્વ ખિતાબ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી છે. ભારતે અલગ-અલગ વર્ગમાં પોતાનું આ પ્રદર્શન જારી રાખ્યું છે. આ દરમિયાન યુવા ખેલાડીઓએ પણ બતાવ્યું છે કે ભારતનું ક્રિકેટમાં ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે. બીજી તરફ, સિનિયર પુરુષ ટીમે સતત પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ચાલો જાણીએ ૨૦૨૪ થી અત્યાર સુધી ભારતે કઈ ટૂર્નામેન્ટ્સમાં પોતાની ધાક જમાવી છે…

૧. પુરુષ ટી૨૦ વિશ્વકપનો જીત્યો ખિતાબ (૨૦૨૪)

ભારતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ૨૦૨૪માં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટી૨૦ વિશ્વકપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને ICC ટ્રોફી જીતવાના દુષ્કાળનો અંત લાવ્યો હતો અને કરોડો દેશવાસીઓને ખુશ થવાની તક આપી હતી. ભારતે બીજી વખત ટી૨૦ વિશ્વકપનો ખિતાબ જીત્યો હતો. ફાઈનલ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૧૭૬ રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટ પર ૧૬૯ રન જ બનાવી શકી હતી.

- Advertisement -

૨. રોહિતની આગેવાનીમાં જીતી ચેમ્પિયન્સ ટ્રોફી (૨૦૨૫)

ભારતે ૨૦૨૫ની શરૂઆતમાં રોહિત શર્માની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ન્યૂઝીલેન્ડએ ભારત સામે જીતવા માટે ૫૦ ઓવરમાં ૨૫૨ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો જેને ભારતીય ટીમે ચાર વિકેટ બાકી રહેતા જીતી લીધો હતો. ભારતે કેપ્ટન રોહિત શર્માની ૮૩ બોલ પર ૭૬ રનની ઇનિંગના દમ પર ૪૯ ઓવરમાં છ વિકેટ પર ૨૫૪ રન બનાવીને જીત મેળવી હતી.

૩. ભારતીય મહિલા અંડર-૧૯ ટીમનો દેખાયો હતો દમ

ભારતીય મહિલા અંડર-૧૯ ટીમે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાને હરાવીને આ ટૂર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ ૨૦ ઓવરમાં ૮૨ રન જ બનાવી શકી હતી. જવાબમાં ભારતીય મહિલા ટીમે ૧૧.૨ ઓવરમાં એક વિકેટ પર ૮૪ રન બનાવીને ખિતાબ જીત્યો હતો.

- Advertisement -

૪. મહિલા ટીમ પ્રથમ વખત બની હતી ચેમ્પિયન (૨૦૨૫)

ભારત માટે ૨૦૨૫નું વર્ષ ખરેખર યાદગાર રહ્યું હતું. ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને પ્રથમ વખત વનડે વિશ્વકપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. મહિલા ક્રિકેટમાં ભારતની આ પ્રથમ ICC ટ્રોફી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૫૦ ઓવરમાં સાત વિકેટ પર ૨૯૮ રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ૨૪૬ રનમાં સમેટાઈ ગઈ હતી. દીપ્તિ શર્માએ પાંચ વિકેટ ઝડપીને મેચ પલટી નાખી હતી.

૫. ભારતીય દ્રષ્ટિહીન મહિલા ટીમે ટી૨૦ વિશ્વકપમાં લહેરાવ્યો હતો પરચમ (૨૦૨૫)

ભારતીય મહિલા દ્રષ્ટિહીન ટીમે પણ ટી૨૦ વિશ્વકપ ૨૦૨૫નો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમે કોલંબોના પી સારા ઓવલ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં નેપાળને સાત વિકેટે હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટનું આયોજન પ્રથમ વખત થઈ રહ્યું હતું અને ભારત આ વૈશ્વિક ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે નેપાળને પાંચ વિકેટ પર ૧૧૪ રન પર રોકી દીધું હતું. જવાબમાં ટીમે ૧૨ ઓવરમાં ત્રણ વિકેટ પર ૧૧૭ રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

- Advertisement -

૬. છઠ્ઠી વખત જીત્યો અંડર-૧૯ વિશ્વકપનો ખિતાબ (૨૦૨૬)

ભારતીય અંડર-૧૯ ટીમે આ વર્ષની શરૂઆતમાં ઈતિહાસ રચતા છઠ્ઠી વખત વિશ્વ વિજેતા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ભારત આ ટૂર્નામેન્ટ સૌથી વધુ વખત જીતનારી ટીમ છે. ભારતે ઈંગ્લેન્ડ સામે ફાઈનલમાં ૧૦૦ રને હાર આપી હતી. ભારતે ઈંગ્લેન્ડ સામે ૪૧૨ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં ઈંગ્લિશ ટીમ ૪૦.૨ ઓવરમાં ૩૧૧ રન પર સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા માટે વૈભવ સૂર્યવંશી ફાઈનલના સુપરસ્ટાર રહ્યા. તેમણે ૮૦ બોલમાં ૧૭૫ રનની તોફાની ઇનિંગ રમી હતી.

૭. સિનિયર પુરુષ ટીમે ટી૨૦ ખિતાબનું કર્યું સંરક્ષણ (૨૦૨૬)

હવે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમે ટી૨૦માં પોતાનો દબદબો જાળવી રાખતા ટી૨૦ વિશ્વકપ ખિતાબનું સફળતાપૂર્વક સંરક્ષણ (ડિફેન્ડ) કર્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ટીમે આ ટૂર્નામેન્ટનો ખિતાબ જાળવી રાખ્યો હોય. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતના ૨૫૫ રનના જવાબમાં ન્યૂઝીલેન્ડ ૧૯ ઓવરમાં ૧૫૯ રન પર સમેટાઈ ગયું હતું. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વખત ટી૨૦ વિશ્વકપનો ખિતાબ જીત્યો છે. સૂર્યકુમાર યાદવનું નામ પણ વિશ્વ વિજેતા કેપ્ટનોમાં સામેલ થઈ ગયું છે.

Share This Article