MLSના સૌથી વધુ કમાણી કરતા ખેલાડીઓમાં Messi નંબર-1, Lewandowski બીજા અને Griezmann ત્રીજા સ્થાને
MLS Player Salaries: ફૂટબૉલની દુનિયામાં લિયોનેલ મેસ્સીનો જાદુ માત્ર મેદાન સુધી સીમિત નથી. કમાણીના મામલે પણ તેઓ અન્ય ખેલાડીઓ કરતાં ઘણા આગળ છે. મેજર લીગ સોકરના 2026ના નવા સેલરી રિપોર્ટમાં મેસ્સી સૌથી વધુ કમાણી કરનારા ખેલાડી છે. જ્યારે બાર્સેલોનાના પૂર્વ સ્ટાર રોબર્ટ લેવાન્ડોવસ્કીએ આ યાદીમાં બીજું અને ફ્રાન્સના એન્ટોઇન ગ્રીઝમેને ત્રીજું સ્થાન મેળવ્યું છે.
મેજર લીગ સોકર પ્લેયર્સ એસોસિયેશન દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા અનુસાર, ઇન્ટર મિયામીના કેપ્ટન મેસ્સીને વાર્ષિક 28.33 મિલિયન ડૉલર એટલે કે આશરે 263.43 કરોડ રૂપિયાની ગેરન્ટીડ રકમ મળે છે. આ રકમમાં બેઝ સેલરી અને ગેરન્ટીડ બોનસનો સમાવેશ થાય છે. ગયા વર્ષની સરખામણીએ તેમની ગેરન્ટીડ કમાણીમાં આશરે 8 મિલિયન ડૉલર (74.40 કરોડ રૂપિયા)નો વધારો થયો છે.
The 2026 Fall Salary Guide is now available. The guide reflects annual base salary and annual guaranteed compensation data for all players under contract with MLS as of 10/9.
➡️ https://t.co/dSeZH3bQon https://t.co/uH54ce5cUi
— MLSPA (@MLSPA) November 19, 2026
લેવાન્ડોવસ્કી અને ગ્રીઝમેન પણ ટોપ-3માં સામેલ
આ વર્ષે સમર ટ્રાન્સફર વિન્ડોમાં મેજર લીગ સોકર સાથે જોડાયેલા મોટા સ્ટાર્સમાં રોબર્ટ લેવાન્ડોવસ્કી અને એન્ટોઇન ગ્રીઝમેનનો પણ સમાવેશ થાય છે. શિકાગો ફાયર તરફથી રમતા પોલેન્ડના સ્ટ્રાઇકર લેવાન્ડોવસ્કી 19.51 મિલિયન ડૉલરની ગેરન્ટીડ કમાણી સાથે બીજા સ્થાને છે. તેમની બેઝ સેલરી 16 મિલિયન ડૉલર છે.
બીજી તરફ, ઑર્લાન્ડો સિટી તરફથી રમતા ફ્રાન્સના ગ્રીઝમેન 13.93 મિલિયન ડૉલરની ગેરન્ટીડ રકમ સાથે ત્રીજા સ્થાને છે. તેમની બેઝ સેલરી આશરે 10.44 મિલિયન ડૉલર છે. ગ્રીઝમેને એટલેટિકો મેડ્રિડ છોડીને મેજર લીગ સોકરનો રસ્તો પસંદ કર્યો હતો.
MLSના સૌથી વધુ કમાણી કરતા ટોપ-5 ખેલાડીઓ
| ખેલાડી | ક્લબ | ડૉલરમાં સેલરી | ભારતીય રૂપિયામાં |
|---|---|---|---|
| લિયોનેલ મેસ્સી | ઇન્ટર મિયામી | $28.33 મિલિયન | ₹264.02 કરોડ |
| રોબર્ટ લેવાન્ડોવસ્કી | શિકાગો ફાયર | $19.51 મિલિયન | ₹181.81 કરોડ |
| એન્ટોઇન ગ્રીઝમેન | ઑર્લાન્ડો સિટી | $13.93 મિલિયન | ₹129.79 કરોડ |
| સોન હ્યુંગ-મિન | LAFC | $11.15 મિલિયન | ₹103.90 કરોડ |
| બ્રિલ એમ્બોલો | એટલાન્ટા યુનાઇટેડ | $10.81 મિલિયન | ₹100.73 કરોડ |
ઇન્ટર મિયામી ખેલાડીઓ પાછળ ખર્ચ કરવામાં સૌથી આગળ
માત્ર ખેલાડીઓની વ્યક્તિગત કમાણી જ નહીં, પરંતુ ટીમોના કુલ પગાર ખર્ચમાં પણ ઇન્ટર મિયામી સૌથી આગળ છે. ક્લબ પોતાના ખેલાડીઓને કુલ 59.37 મિલિયન ડૉલરની ગેરન્ટીડ રકમ આપે છે. શિકાગો ફાયર 41.29 મિલિયન ડૉલર સાથે બીજા અને એટલાન્ટા યુનાઇટેડ 38.35 મિલિયન ડૉલર સાથે ત્રીજા સ્થાને છે.
આ પછી LA ગેલેક્સી 34.91 મિલિયન ડૉલર અને LAFC 32.91 મિલિયન ડૉલર સાથે અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે. રસપ્રદ વાત એ છે કે મેજર લીગ સોકરમાં સૌથી ઓછો પગાર ખર્ચ કરતી ટીમ ફિલાડેલ્ફિયા યુનિયન છે, જેનો કુલ ગેરન્ટીડ પેરોલ 12.64 મિલિયન ડૉલર છે.
મેજર લીગ સોકરમાં ખેલાડીઓની કમાણીમાં થયો વધારો
મેજર લીગ સોકરમાં ખેલાડીઓની સરેરાશ ગેરન્ટીડ કમાણી વધીને 746,936 ડૉલર થઈ ગઈ છે. ગયા વર્ષે આ આંકડો 632,809 ડૉલર હતો. એટલે કે તેમાં આશરે 18 ટકાનો વધારો થયો છે.
બીજી તરફ, લીગમાં દર વર્ષે ઓછામાં ઓછા 1 મિલિયન ડૉલરની ગેરન્ટીડ કમાણી કરતા ખેલાડીઓની સંખ્યા પણ વધીને 150 થઈ ગઈ છે. મે 2026માં આ સંખ્યા 133 હતી.
આ રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે મેજર લીગ સોકર વિશ્વના મોટા ફૂટબૉલ સ્ટાર્સને આકર્ષવાની સાથે ખેલાડીઓ પાછળનો પોતાનો ખર્ચ પણ સતત વધારી રહી છે. જોકે, કમાણીના મામલે હાલ મેસ્સીની આસપાસ કોઈ અન્ય ખેલાડી દેખાતો નથી.

