Robin Das Case: એશેક્સ કાઉન્ટીના 24 વર્ષીય ક્રિકેટર રૉબિન દાસ સામે બળાત્કારના બે આરોપ, ક્લબે તાત્કાલિક સસ્પેન્ડ કર્યો

Arati Parmar
3 Min Read

માર્ચ 2024ની ઘટનામાં રૉબિન દાસની ધરપકડ, 9 ઓક્ટોબરે ઇનર લંડન ક્રાઉન કોર્ટમાં થશે સુનાવણી

Robin Das Case: ઇંગ્લેન્ડના ઘરેલુ ક્રિકેટમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એશેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબના 24 વર્ષીય બેટ્સમેન રૉબિન દાસ સામે જાતીય શોષણના બે ગંભીર આરોપો લાગ્યા છે. આ ગંભીર આરોપો સામે આવ્યા બાદ એશેક્સ કાઉન્ટીએ તેમને તાત્કાલિક અસરથી ટીમમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. હવે આ મામલે રૉબિન દાસને 9 ઓક્ટોબર 2026ના રોજ ઇનર લંડન ક્રાઉન કોર્ટમાં રજૂ થવું પડશે.

માર્ચ 2024ની ઘટના, ઓગસ્ટ 2025માં થઈ હતી ધરપકડ

લંડન મેટ્રોપોલિટન પોલીસના સત્તાવાર અહેવાલ અનુસાર, માર્ચ 2024માં બ્રિક્સ્ટનમાં એક મહિલા સાથે બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મામલાની તપાસ બાદ પોલીસે 27 ઓગસ્ટ 2025ના રોજ રૉબિન દાસની ધરપકડ કરી હતી. ત્યારબાદ 23 જુલાઈ 2026ના રોજ તેમના પર બળાત્કારના બે ઔપચારિક આરોપ નક્કી કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પીડિત મહિલાને શક્ય તમામ કાનૂની અને મનોવૈજ્ઞાનિક સહાય આપવામાં આવી રહી છે. જો અદાલતમાં આરોપ સાબિત થાય છે, તો આ યુવા ક્રિકેટરને લાંબી જેલની સજા થઈ શકે છે.

- Advertisement -

એશેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબનું કડક વલણ

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એશેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબે નિવેદન જાહેર કરીને પોતાના ખેલાડીને સસ્પેન્ડ કરવાની પુષ્ટિ કરી છે. ક્લબે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું, ‘એશેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબ આ વાતની પુષ્ટિ કરે છે કે અમારા કરારબદ્ધ ખેલાડી તાજેતરમાં ક્લબની બહારના એક ગંભીર મામલાને લઈને અદાલતમાં રજૂ થયા હતા. ક્લબ સતત ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ, પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશન અને સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છે. સસ્પેન્શનની કાર્યવાહી આ પ્રક્રિયાનો જ એક ભાગ છે અને કાનૂની પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી ક્લબ આ અંગે કોઈ અન્ય ટિપ્પણી કરશે નહીં.’

રૉબિન દાસની અત્યાર સુધીની કારકિર્દી કેવી રહી છે?

ફેબ્રુઆરી 2002માં જન્મેલા બાંગ્લાદેશી મૂળના ઇંગ્લિશ ક્રિકેટર રૉબિન દાસ જમણેરી બેટ્સમેન છે. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અત્યાર સુધી 9 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 25.15ની સરેરાશથી 327 રન બનાવ્યા છે, જેમાં 1 સદી સામેલ છે. લિસ્ટ-A ક્રિકેટની 29 મેચોમાં 31.00ની સરેરાશથી તેમણે 805 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 5 અડધી સદી નોંધાયેલી છે. તેમણે પોતાની છેલ્લી મેચ 21 જુલાઈ 2026ના રોજ મિડલસેક્સ સામે વનડે કપમાં રમી હતી, ત્યારથી તેઓ ક્રિકેટથી દૂર છે અને સસ્પેન્ડ છે.

- Advertisement -
Share This Article