ટી-20 ક્રિકેટ કારકિર્દીમાં રોહિત શર્માની સંન્યાસ લેવાની ઇચ્છા
ટી-20 ક્રિકેટ કારકિર્દીમાં રોહિત શર્માની સંન્યાસ લેવાની ઇચ્છા
નવી દિલ્હી, તા.23: ભારતનો વન ડે અને ટેસ્ટ કપ્તાન રોહિત શર્માની હવે ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમવાની સંભાવના ઓછી છે. રિપોર્ટ અનુસાર વર્લ્ડ કપ પૂર્વે જ રોહિતે બીસીસીઆઇ સાથે ટી-20ની પોતાની કેરિયર પર ચર્ચા કરી હતી. નવેમ્બર-2022ના ટી-20 વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ તે આ ફોર્મેટમાં ભારત તરફથી એક પણ મેચ રમ્યો નથી. ત્યારથી મોટાભાગની શ્રેણીમાં હાર્દિક પંડયા ભારતીય ટીમનું સુકાન સંભાળી રહ્યો છે. તે હાલ ઇજાગ્રસ્ત હોવાથી ઓસિ. સામેની ટી-20 શ્રેણીમાં સૂર્યકુમારને કપ્તાન બનાવાયો છે. રોહિત શર્માએ તેની સફળ ટી-20 કેરિયરમાં 148 મેચમાં 4 સદી અને 140ની સ્ટ્રાઇક રેટથી 38પ3 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેના વિકલ્પ રૂપે ભારત પાસે હાલ ચાર ઓપનર શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઇશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ છે. આ યુવા ખેલાડીઓ આઇપીએલમાં સારો દેખાવ કરી ચૂક્યા છે. રોહિત શર્મા 37 વર્ષની નજીક છે અને તે હવે ટી-20 ઇન્ટરનેશનલ કેરિયર સમાપ્ત કરી ફક્ત ટેસ્ટ અને વન ડે ફોર્મેટ પર ફોકસ કરવા ઇચ્છુક છે. જો કે બીસીસીઆઇના સુમાહિતગાર વર્તુળમાંથી જાણવા મળે છે કે રોહિત શર્મા પર ટી-20 છોડવાનું દબાણ થશે નહીં, પણ તેના નિર્ણયનું સન્માન કરવામાં આવશે.
