Shai Hope T20 Records: ભારત-વેસ્ટ ઇન્ડિઝ T20 મેચમાં 500થી વધુ રન, શાઈ હોપે બનાવ્યા 5 મોટા રેકોર્ડ

Arati Parmar
4 Min Read

Shai Hope T20 Records: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે T20 શ્રેણીની બીજી મેચમાં 500થી વધુ રન બન્યા હતા. ભારતે પહેલાં 249 રન બનાવ્યા હતા અને જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે 9 બોલ બાકી રહેતાં 250 રન બનાવીને જીત મેળવી હતી. કેપ્ટન શાઈ હોપ ફરી એકવાર જીતના નાયક રહ્યા હતા. તેઓ ઇનિંગ્સની શરૂઆત કરવા મેદાનમાં ઊતર્યા હતા અને 19મી ઓવરમાં ટીમને જીત અપાવીને જ પાછા ફર્યા હતા. તેમની આ ઇનિંગ્સ દરમિયાન અનેક રેકોર્ડ બન્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ માટે શાઈ હોપે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. અહીં આવા જ 5 મહત્ત્વના રેકોર્ડ વિશે જાણીએ.

T20Iમાં બીજો સૌથી મોટો રનચેઝ

આ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટના ઇતિહાસનો બીજો સૌથી મોટો રનચેઝ હતો. આ પહેલાં દક્ષિણ આફ્રિકાએ 2023માં વેસ્ટ ઇન્ડિઝ સામે 259 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. હવે વેસ્ટ ઇન્ડિઝે ભારત સામે 250 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. 2018માં ઑસ્ટ્રેલિયાની ટીમ ન્યૂઝીલેન્ડ સામે 244 રનનો લક્ષ્યાંક હાંસલ કરી ચૂકી છે. આ યાદીમાં બલ્ગેરિયાની ટીમનું નામ પણ બે વખત છે. આ ટીમે 2025માં જિબ્રાલ્ટર સામે 244 રન અને 2022માં સર્બિયા સામે 232 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

- Advertisement -

T20માં સાતમી વખત 250 રનનો લક્ષ્યાંક હાંસલ થયો

T20 ક્રિકેટના ઇતિહાસમાં આ સાતમી ઘટના હતી, જ્યારે કોઈ ટીમે 250 કે તેથી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ મામલે વૉશિંગ્ટન ફ્રીડમની ટીમ સૌથી આગળ છે. તેણે આ જ વર્ષે MI ન્યૂયોર્ક સામે 267 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. બીજી તરફ, પંજાબ કિંગ્સે આ જ વર્ષે IPLમાં દિલ્હી સામે 265 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. પંજાબે 2024માં કોલકાતા સામે 262 રનનો લક્ષ્યાંક પણ હાંસલ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝ સામે 259 રન બનાવ્યા હતા. બ્રિસ્બેન હીટ 258 રન અને મિડલસેક્સની ટીમ 253 રનનો લક્ષ્યાંક હાંસલ કરી ચૂકી છે.

આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં બીજી વખત 500થી વધુ રન બન્યા

આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં બીજી વખત 500થી વધુ રન બન્યા છે. આવું પહેલી વખત 2023માં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચમાં થયું હતું. આ મેચમાં કુલ 517 રન બન્યા હતા. હવે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચમાં 501 રન બન્યા છે. 2026ના T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં 499 રન બન્યા હતા. આ જ વર્ષે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચમાં 496 રન બન્યા હતા. 2016માં વેસ્ટ ઇન્ડિઝ અને ભારત વચ્ચેની મેચમાં 489 રન બન્યા હતા.

- Advertisement -

આંતરરાષ્ટ્રીય T20 મેચમાં 79 બાઉન્ડરી

આ આંતરરાષ્ટ્રીય T20 મેચમાં ત્રીજી સૌથી વધુ બાઉન્ડરી ફટકારવામાં આવી હતી. આ મામલે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચ ટોચ પર છે. 2023માં રમાયેલી આ મેચમાં કુલ 81 બાઉન્ડરી ફટકારવામાં આવી હતી. બીજી તરફ, 2025માં જિબ્રાલ્ટર અને બલ્ગેરિયા વચ્ચેની મેચમાં 80 બાઉન્ડરી ફટકારવામાં આવી હતી. ભારત અને વેસ્ટ ઇન્ડિઝની આ મેચમાં 79 બાઉન્ડરી ફટકારવામાં આવી હતી. T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં 73 બાઉન્ડરી ફટકારવામાં આવી હતી. જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચમાં 72 બાઉન્ડરી ફટકારવામાં આવી હતી.

ગેલને પાછળ છોડીને હોપ આગળ વધ્યા

આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ માટે સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે શાઈ હોપે ક્રિસ ગેલને પાછળ છોડીને બીજું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં જૉનસન ચાર્લ્સ ટોચ પર છે. તેમણે 2023માં દક્ષિણ આફ્રિકા સામે 39 બોલમાં સદી ફટકારી હતી. આ મેચમાં શાઈ હોપે 45 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ક્રિસ ગેલે 2016માં ઇંગ્લેન્ડ સામે 47 બોલમાં સદી ફટકારી હતી. જ્યારે એવિન લૂઇસે 2016માં ભારત સામે 48 બોલમાં સદી ફટકારી હતી. ગેલે 2007માં 50 બોલમાં પણ સદી ફટકારી હતી.

- Advertisement -
Share This Article