વિરાટ-રોહિત વન-ડે ક્રમાંકમાં ત્રીજા-ચોથા સ્થાને
Thursday, 23 November 2023
વિરાટ-રોહિત વન-ડે ક્રમાંકમાં ત્રીજા-ચોથા સ્થાને
દુબઇ, તા. 22 : ટીમ ઇન્ડિયાનો સ્ટાર અને વર્લ્ડ કપમાં સૌથી વધુ 76પ રન કરનાર વિરાટ કોહલી આઇસીસી વન ડે ક્રમાંકમાં ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. જયારે કપ્તાન રોહિત શર્મા પણ ફાયદા સાથે ચોથા ક્રમ પર આગળ વધ્યો છે. બીજી તરફ વિશ્વ કપમાં ઠીક-ઠાક દેખાવ કરનાર અને ફાઇનલમાં નિષ્ફળ રહેનાર શુભમન ગિલ પહેલા ક્રમે જળવાઈ રહ્યો છે. વન ડે બોલિંગ ક્રમાંકમાં દ. આફ્રિકી સ્પિનર કેશવ મહારાજ ટોચ પર છે. તેના પછી ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડ અને ભારતીય બોલર મોહમ્મદ સિરાજ છે. સિરાજને એક ક્રમનું નુકસાન થયું છે. વિશ્વ કપમાં સૌથી વધુ 24 વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીની ટોપ ટેનમાં વાપસી થઇ છે. તે 10મા નંબર પર છે. જસપ્રિત બુમરાહ ચોથા ક્રમ પર છે. જયારે ચાઇનામેન બોલર કુલદીપ યાદવ છઠ્ઠા ક્રમે યથાવત્ રહ્યો છે. વન ડે ઓલરાઉન્ડરોની ક્રમાંક સૂચિમાં બાંગલાદેશનો કપ્તાન શકિબ અલ હસન ટોચ પર ટકી રહ્યો છે. અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી બીજા ક્રમે છે. ટોપ ટેનમાં રવીન્દ્ર જાડેજા એકમાત્ર ભારતીય ખેલાડી છે. જે નવમા ક્રમેથી ખસીને 10મા નંબર પર આવી ગયો છે.
