વિરાટની 50મી સદી
Saturday, 18 November 2023
વિરાટની 50મી સદી
મુંબઇ, તા. 17 : ધુરંધર બેટધર વિરાટ કોહલી અહીંના વાનખેડે સ્ટેડિયમ પર ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલમાં અફલાતૂન બેટિંગ કરીને 50મી વન-ડે સદીના શિખરે પહોંચી ગયો હતો. વિરાટે 113 દડામાં 117 રનની લાજવાબ ઇનિંગ્સ દરમ્યાન એક વર્લ્ડકપમાં સૌથી વધુ રનના તેંડુલકર (673 રન)ના રેકોર્ડને પણ તોડી નાખ્યો હતો. વિરાટની સદી ઉપરાંત શ્રેયસના 70 દડામાં ધુંઆધાર 105 રનના સહારે ભારતે 397 રન ખડકયા બાદ મોહમ્મદ શમીના શાનદાર પ્રદર્શન (57 રનમાં સાત વિ.)ના સહારે ન્યૂઝીલેન્ડને 327 સુધી સીમિત રાખ્યું હતું. કોહલીએ 279મા દાવમાં 50મી સદી ફટકારી હતી, સદી બાદ તેણે જણાવ્યું હતું કે, હું જેને સૌથી વધુ પ્રેમ કરું છું તે વ્યક્તિ (પત્ની અનુષ્કા) અને મારો હીરો તથા રોલ મોડેલ (સચિન તેંડુલકર)ની હાજરીમાં આ સિદ્ધિ મેળવવી મારા માટે બહુ ખાસ છે, આ ક્ષણો શબ્દોમાં વર્ણવવી બહુ મુશ્કેલ છે. વિરાટ વર્લ્ડકપમાં 711 રન ફટકારી ચૂકયો છે.
