AI Advice Risks: AIનો ઉપયોગ કરતાં પહેલાં સાવધાન. આ 3 બાબતોમાં ભૂલ ભારે પડી શકે છે, જાણો કેમ

Arati Parmar
2 Min Read

AI Advice Risks: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આજે આપણા જીવનનો મહત્ત્વનો ભાગ બની ગયું છે. ઑફિસનાં કામ હોય કે રોજિંદાં નાનાં-મોટાં કાર્યો, AI ટૂલ્સે માનવીનાં કામને ઘણી હદ સુધી સરળ બનાવી દીધાં છે. જોકે, ટેક્નૉલૉજી ગમે તેટલી અદ્યતન બની જાય, પરંતુ કેટલીક બાબતો એવી છે, જ્યાં તેનો ઉપયોગ કરવો અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે. AI દરેક સવાલનો સચોટ જવાબ આપી શકતું નથી, કારણ કે તે ડેટાના નમૂનાઓના આધારે કામ કરે છે અને તેમાં માનવી જેવી સમજ અથવા સંવેદનાઓ હોતી નથી. તેથી, કેટલાક વિશિષ્ટ ક્ષેત્રોમાં આડેધડ AIનો ઉપયોગ કરવાથી મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. આજે અમે તમને આવી જ કેટલીક બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તબીબી સલાહ લેવા માટે

સૌપ્રથમ વાત કરીએ તબીબી ક્ષેત્રની. સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં AI પર સંપૂર્ણપણે ભરોસો રાખવો જોખમી બની શકે છે. ઘણા લોકો પોતાની બીમારીઓનાં લક્ષણો જાણવા અથવા પોતાની રીતે દવાઓ નક્કી કરવા માટે ચેટબોટ્સનો ઉપયોગ કરે છે. AI ઘણીવાર ખોટી માહિતી આપી શકે છે, જેને તબીબી ભાષામાં હેલ્યુસિનેશન કહેવામાં આવે છે. કોઈ ગંભીર બીમારીમાં ડૉક્ટરની સલાહ વિના AIનાં સૂચનો માનવાં જીવલેણ સાબિત થઈ શકે છે.

- Advertisement -

કાનૂની બાબતોમાં AIની મદદ ન લો

તબીબી ક્ષેત્ર ઉપરાંત, કાનૂની અને નાણાકીય બાબતોમાં પણ AI પર આધાર રાખવો જોખમી બની શકે છે. કાયદા અને નાણાંકીય બાબતો સાથે જોડાયેલા નિર્ણયો માટે સચોટ માહિતી અને અનુભવની જરૂર હોય છે. જ્યારે AI ઘણીવાર જૂના અથવા ખોટા ડેટાના આધારે સૂચનો આપી શકે છે, જેના કારણે મોટું નુકસાન થઈ શકે છે.

સંબંધો માટે માહિતી ન લો

આ ઉપરાંત, વ્યક્તિગત સંબંધોમાં AIનો ઉપયોગ તમારા અંગત જીવનને બગાડી શકે છે. થેરપી, સંબંધો અંગેની સલાહ અથવા કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં AI ટૂલ્સનો સહારો લેવો યોગ્ય નથી. AI પાસે હૃદય, લાગણીઓ કે સહાનુભૂતિ હોતી નથી, તેથી તે ક્યારેય માનવીય સંબંધોની ઊંડાઈને સમજી શકતું નથી. AI દ્વારા આપવામાં આવેલા જવાબો નીરસ અને બિનઅસરકારક હોઈ શકે છે. એટલું જ નહીં, પાસવર્ડ, બૅન્કની વિગતો અથવા વ્યક્તિગત ઓળખપત્રો જેવી અંગત કે ગુપ્ત માહિતી ક્યારેય AI ટૂલ્સમાં દાખલ કરવી જોઈએ નહીં, કારણ કે તેનાથી સાયબર છેતરપિંડી અને ડેટા લીક થવાનું જોખમ હંમેશાં રહે છે.

- Advertisement -
Share This Article