Cyber Crime Safety Tips: આજના ડિજિટલ યુગમાં ક્યારે, ક્યાં અને કોનો MMS બની જાય તેની કોઈ ખાતરી નથી. મોલના ચેન્જિંગ રૂમ, હોસ્ટેલના બાથરૂમ કે AI દ્વારા બનાવેલા ડીપફેક વીડિયો દ્વારા કોઈને પણ શિકાર બનાવી શકાય છે. વર્ષ 2024માં જ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર આ પ્રકારની લાખો ફરિયાદો નોંધાઈ છે. જો તમારી સાથે આવું કંઈક થાય, તો ગભરાવાને બદલે નીચે મુજબના પગલાં ભરો.
MMS લીક થવાના મુખ્ય કારણો
ફિશિંગ અને હેકિંગ: નકલી લિંક્સ પર ક્લિક કરવાથી તમારી વિગતો ચોરાઈ શકે છે, જેનાથી હેકર્સ તમારા ક્લાઉડ એકાઉન્ટ (Google Drive, iCloud) સુધી પહોંચી જાય છે.
મોબાઈલનો ઓટો મોડ: ગેલેરીનું ક્લાઉડ સાથે ઓટો-બેકઅપ હોવાથી નબળા પાસવર્ડના કારણે અંગત ફોટા લીક થઈ શકે છે.
થર્ડ પાર્ટી એપ્સ: ફ્રી ગેમ્સ કે ફોટો એડિટર એપ્સને કેમેરા અને ગેલેરીનું એક્સેસ આપવું જોખમી બની શકે છે.
અંગત સંબંધોમાં દગો: બ્રેકઅપ પછી બદલો લેવાના ઈરાદે ઘણીવાર અંગત તસવીરો વાયરલ કરવામાં આવે છે.
ડીપફેક ટેકનોલોજી: AI ની મદદથી કોઈના પણ ચહેરાને અશ્લીલ વીડિયોમાં મોર્ફ કરી શકાય છે.
બચવા માટે શું કરવું?
ડિવાઈસ સેફ્ટી: હંમેશા સ્ટ્રોંગ પાસવર્ડ અને ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) નો ઉપયોગ કરો.
પ્રાઈવેટ ફોલ્ડર: અંગત ફોટા ગેલેરીને બદલે પાસવર્ડ પ્રોટેક્ટેડ અથવા એન્ક્રિપ્ટેડ ફોલ્ડરમાં રાખો.
સોશિયલ મીડિયા સેટિંગ્સ: તમારી પ્રોફાઈલ પ્રાઈવેટ રાખો અને અજાણ્યા વ્યક્તિઓ સાથે ચેટ કરવાનું ટાળો.
સેક્સ્ટિંગથી બચો: ડિજિટલ પ્લેટફોર્મ પર ક્યારેય પણ એવી તસવીરો ન મોકલો જે ભવિષ્યમાં તમારા વિરુદ્ધ હથિયાર બની શકે.
જો MMS લીક થઈ જાય, તો તરત જ આ 5 સ્ટેપ્સ ફોલો કરો
૧. માનસિક રીતે મજબૂત રહો: સૌથી પહેલા ગભરાવાનું બંધ કરો. આ તમારી ભૂલ નથી, તમે પીડિત છો. કોઈ વિશ્વાસુ મિત્ર કે પરિવારના સભ્ય સાથે વાત કરો.
૨. પુરાવા એકઠા કરો: જે પ્લેટફોર્મ પર વીડિયો દેખાય તેના સ્ક્રીનશોટ લો. URL (લિંક) સેવ કરો. જો કોઈ બ્લેકમેલ કરતું હોય તો તે ચેટના પણ સ્ક્રીનશોટ લો. કંઈ પણ ડિલીટ ન કરો, કારણ કે તે પોલીસ તપાસમાં કામ આવશે.
૩. સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ: તુરંત જ સાયબર ક્રાઈમની સત્તાવાર વેબસાઈટ cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો. તમે ૧૯૩૦ નંબર પર કોલ કરીને પણ મદદ માંગી શકો છો.
૪. પ્લેટફોર્મને રિપોર્ટ કરો: જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Facebook, Instagram, YouTube) પર કન્ટેન્ટ હોય ત્યાં ‘Report’ બટન પર ક્લિક કરી ‘Non-consensual intimate imagery’ તરીકે રિપોર્ટ કરો. પ્લેટફોર્મ સામાન્ય રીતે ૨૪ થી ૪૮ કલાકમાં તેને હટાવી દે છે.
૫. ગુમનામ ફરિયાદનો વિકલ્પ: જો તમને સામાજિક બદનામીનો ડર હોય, તો સાયબર પોર્ટલ પર તમે તમારી ઓળખ છુપાવીને (Anonymous) પણ ફરિયાદ કરી શકો છો.
યાદ રાખો: સાયબર પોલીસ તમારી મદદ માટે છે. MMS લીક કે મોર્ફિંગ એ IT એક્ટની કલમ 66E અને 67A હેઠળ ગંભીર ગુનો છે, જેમાં ગુનેગારને જેલની સજા થઈ શકે છે.

