Data Center Visakhapatnam Protest: વિશાખાપટ્ટનમમાં ગૂગલના મહાપ્રોજેક્ટ સામે વિરોધ કેમ શરૂ થયો?

Arati Parmar
4 Min Read

Data Center Visakhapatnam Protest: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં બનવા જઈ રહેલા અમેરિકાની ટેક કંપની ગૂગલના વિશાળ AI ડેટા સેન્ટરનો ભારે વિરોધ શરૂ થયો છે. નોંધનીય છે કે 15 અબજ ડૉલરના ખર્ચે બનવા જઈ રહેલું આ સેન્ટર અમેરિકાની બહાર ગૂગલનું સૌથી મોટું AI હબ હશે. આ ડેટા સેન્ટર 2028 સુધીમાં શરૂ થવાની આશા છે. જોકે, આ ડેટા સેન્ટર માટે જંગલો અને કેરી-કાજુનાં બગીચાઓ સાફ કરવાનું કામ શરૂ થયું ત્યારથી સ્થાનિક લોકોએ તેની સામે વિરોધ શરૂ કર્યો છે.

‘લોકો ડેટા પી શકતા નથી’ એવા નારા સાથે આ ડેટા સેન્ટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકો પાણી, વીજળી અને પર્યાવરણ સામે ઊભા થઈ રહેલા જોખમો અંગે સવાલો ઉઠાવવા લાગ્યા છે.

- Advertisement -

ગૂગલ નવી કૂલિંગ ટેક્નોલોજી અપનાવશે

આ ડેટા સેન્ટરનો વિરોધ કરી રહેલા લોકોની સૌથી મોટી ચિંતા વિસ્તારમાં પાણીની અછતને લઈને છે. તેનું કારણ એ છે કે વિશાળ સર્વર્સને ઠંડા રાખવા માટે મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. આ અંગે ગૂગલના એશિયા-પેસિફિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેડ એલેક્ઝાન્ડર સ્મિથે સ્પષ્ટ કર્યું છે કે ગૂગલને પ્રારંભિક તપાસ દરમિયાન જ ખબર પડી ગઈ હતી કે પાણીની અછતની સમસ્યા ઊભી થઈ શકે છે. આ કારણે કંપનીએ વોટર કૂલિંગને બદલે અદ્યતન એર કૂલિંગ ટેક્નોલોજી અપનાવવાનો નિર્ણય લીધો છે.

આ ઉપરાંત, કંપની તાજા પાણીની ભરપાઈ કરવા માટે 2030 સુધીમાં 20 ટકા પાણીનાં સ્ત્રોતોમાં પાણી પાછું પહોંચાડવાનું લક્ષ્ય પણ ધરાવે છે.

- Advertisement -

વીજળીના ગ્રીડ પર દબાણ

– સામાન્ય રીતે ડેટા સેન્ટર્સ મોટા પ્રમાણમાં વીજળીનો ઉપયોગ કરે છે અને તેની સીધી અસર ગ્રીડ પર વધારાના ભાર રૂપે જોવા મળે છે. જોકે, ગૂગલનું કહેવું છે કે વીજળી સંબંધિત માળખાને અપગ્રેડ કરવાનો સંપૂર્ણ ખર્ચ કંપની પોતે ઉઠાવશે.

– આ અંગે સ્મિથે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વિસ્તારમાં વીજળીની અછત ઊભી થાય અથવા લોકોનો વીજપુરવઠો પ્રભાવિત થાય, તો કંપની વધારાની વીજળી ઉત્પન્ન કરશે અથવા ત્યાં બાંધકામ અટકાવી દેશે.

- Advertisement -

– ગૂગલ વિશાખાપટ્ટનમમાં પોતાના નિર્ધારિત માપદંડોથી એક પગલું આગળ વધીને સ્વચ્છ ઊર્જાના પ્રોજેક્ટમાં રોકાણ કરવાની તૈયારી કરી રહી છે.

વિશાખાપટ્ટનમની પસંદગી શા માટે કરવામાં આવી?

ગૂગલના ડેટા સેન્ટર માટે વિશાખાપટ્ટનમની પસંદગી થવાનું મુખ્ય કારણ કનેક્ટિવિટીની દૃષ્ટિએ તેનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર હોવું છે. આ શહેર ભારતનું ત્રીજું સૌથી મોટું સબ-સી કેબલ હબ બનવા જઈ રહ્યું છે. સમુદ્રની નીચે પાથરવામાં આવેલા કેબલ્સ સિંગાપોર, દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા સાથે સીધી કનેક્ટિવિટી પૂરી પાડે છે.

આ ઉપરાંત, વપરાશકર્તાઓનો મોટો આધાર નજીક હોવો, ટેક્નિકલ કુશળતા ધરાવતા લોકોની ઉપલબ્ધતા અને સ્વચ્છ ઊર્જાની સંભાવનાઓને કારણે પણ આ સ્થળની પસંદગી કરવામાં આવી છે. આ જ કારણ છે કે કંપની અહીં 600 એકરમાં પોતાનું ડેટા સેન્ટર બનાવવા જઈ રહી છે.

લોકો પર શું અસર થશે?

આ ડેટા સેન્ટરનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે આવા વેરહાઉસ જેવા ડેટા સેન્ટર્સથી લોકોને ખાસ રોજગાર મળ્યો નથી અને જમીન સંપાદનને કારણે ખેડૂતોની જમીન પણ છીનવાઈ જાય છે. બીજી તરફ, ગૂગલનો દાવો છે કે આ ડેટા સેન્ટરથી દર વર્ષે આશરે 68.8 કરોડ ડૉલરની આર્થિક પ્રવૃત્તિઓ થશે.

આ ઉપરાંત, ગૂગલનો દાવો છે કે ડેટા સેન્ટર તૈયાર થયા પછીના ત્રણથી પાંચ વર્ષ દરમિયાન દર વર્ષે આશરે 4,200 શ્રમિકોને કામ મળશે. કંપનીનું એમ પણ કહેવું છે કે ડેટા સેન્ટરની અંદર મળતી નોકરીઓ ઉપરાંત આસપાસના વિસ્તારોના લોકો માટે રોજગારની વધુ 9 તકો ઊભી થશે.

આ ઉપરાંત, રાજ્ય સરકાર લોકોને વળતર આપવાની સાથે નવાં આવાસ પણ આપવાની વાત કરી રહી છે.

Share This Article