First Telephone Call Completes 150 Years: ‘મિસ્ટર વોટસન, અહીં આવો, હું તમને મળવા માંગુ છું’, 150 વર્ષ પહેલાં બોલાયેલા 9 શબ્દોએ દુનિયા બદલી નાખી

Arati Parmar
3 Min Read

First Telephone Call Completes 150 Years: આખી દુનિયામાં આજે ફોન અને સ્માર્ટફોનનો ઉપયોગ થાય છે. તે લોકોના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયા છે. ટેલિફોનના ઇતિહાસમાં 10 માર્ચની તારીખ સુવર્ણ અક્ષરે લખાયેલી છે. આજથી 150 વર્ષ પહેલાં 10 માર્ચ, 1876ના રોજ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે દુનિયાનો પ્રથમ સફળ ટેલિફોન કોલ કર્યો હતો. તેમણે અમેરિકાના બોસ્ટનમાં પોતાની લેબમાં આ પ્રયોગ કર્યો હતો. તેમણે ફોન પર પોતાના મદદનીશ થોમસ વોટસનને કહ્યું- ‘મિસ્ટર વોટસન, અહીં આવો, હું તમને મળવા માંગુ છું’ (Mr. Watson, come here, I want to see you). આ 9 શબ્દોએ દુનિયાને હંમેશા માટે બદલી નાખી.

એક રૂમમાંથી બીજા રૂમમાં ટેસ્ટિંગ

અહેવાલો અનુસાર, લેબમાં કરવામાં આવેલા પ્રથમ કોલનું ટેસ્ટિંગ એક રૂમથી બીજા રૂમ સુધી મર્યાદિત હતું. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલના મદદનીશ થોમસ વોટસન લેબમાં બીજા રૂમમાં હતા. વોટસનને એલેક્ઝાન્ડરે જે વાત કહી તે પહેલેથી નક્કી નહોતી. મળતી માહિતી મુજબ, બેલના કપડાં પર એસિડ ઢોળાયું હતું અને તેમણે કોલ પર જ વોટસનને મદદ માટે બોલાવ્યા હતા. તેમણે કહ્યું- મિસ્ટર વોટસન, કમ હિયર, આઈ વોન્ટ ટુ સી યુ. વોટસન બીજા રૂમમાં હતા જ્યાં એક રિસીવર લાગેલું હતું. બેલની વાત વોટસનને સાફ સંભળાઈ હતી.

- Advertisement -

લિક્વિડ ટ્રાન્સમીટર ટેકનોલોજીનો ઉપયોગ

આજે આપણે એકબીજા સાથે વાત કરવા માટે મોબાઈલ નેટવર્ક કે વાઈફાઈ નેટવર્કનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ 150 વર્ષ પહેલાં કરવામાં આવેલી શોધ ‘લિક્વિડ ટ્રાન્સમીટર’ ટેકનોલોજી પર આધારિત હતી.

સોય, એસિડ અને વાયર

લિક્વિડ ટ્રાન્સમીટર ટેકનોલોજીમાં સોય, એસિડ અને વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોયને પાણી અને એસિડના મિશ્રણમાં રાખવામાં આવી હતી. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલના બોલવાથી જે સાઉન્ડ વેવ્સ નીકળતા હતા તેનાથી સોય હલતી હતી. તે હલચલથી કરંટમાં ફેરફાર આવતો હતો જે વાયર દ્વારા એક છેડાથી બીજા છેડે પહોંચતો હતો અને ફરીથી અવાજમાં રૂપાંતરિત થતો હતો.

- Advertisement -

ટેલિફોન માટે કેમ પાગલ હતા બેલ?

ટેલિફોન માટે બેલના જુસ્સાનું ખાસ કારણ હતું. રિપોર્ટ અનુસાર, તેમની માતા અને પત્ની બંને સાંભળી શકતા નહોતા. આ જ કારણ હતું કે બેલ અવાજને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે વર્ષોથી સંશોધન કરી રહ્યા હતા. જોકે, બેલની રાહ આસાન નહોતી. પોતાનો કોલ ટેસ્ટ કરવાના થોડા દિવસો પહેલા જ તેમણે ટેલિફોનનું પેટન્ટ મેળવ્યું હતું.

તે જે દિવસે પેટન્ટ લેવા જઈ રહ્યા હતા, તે જ દિવસે એલીશા ગ્રે નામના અન્ય એક શોધકે પણ પેટન્ટ માટે અરજી કરી હતી. તે પણ ટેલિફોન જેવી ટેકનોલોજી પર જ કામ કરી રહ્યા હતા. બેલ થોડા કલાકો વહેલા પહોંચ્યા અને પેટન્ટ મેળવી લીધું. બેલની આ શોધે જ આજના સ્માર્ટફોન અને કોમ્યુનિકેશનનો પાયો નાખ્યો. 150 વર્ષમાં ટેલિફોનનો ઉપયોગ ફોનથી સ્માર્ટફોન અને હવે AI સુધી પહોંચી ગયો છે, પરંતુ એક વસ્તુ જે નથી બદલાઈ – એકબીજા સાથે વાત કરવાનું મુખ્ય માધ્યમ આજે પણ ફોન જ છે.

- Advertisement -
Share This Article