Kids Under 16 Banned From Social Media: સોશિયલ મીડિયા હવે પહેલાં જેવું નથી રહ્યું. એ પર ઘણાં એડલ્ટ કન્ટેન્ટ જોવા મળે છે, તેમજ બાળકોની સતામણી પણ ઘણી કરવામાં આવે છે. આ કારણે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર બેન કરવા માટે ન્યુઝીલેન્ડમાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડની સરકારનું માનવું છે કે સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે એટલું જ બાળકો માટે તે ખતરનાક છે.
પ્રાઇમ મિનિસ્ટરની પહેલ
ન્યુઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર ક્રિસ્ટોફર લક્સન દ્વારા એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે ઇન્ટરનેટથી બાળકોને સુરક્ષિત રાખવા માટે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરે છે. દુનિયાભરના ઘણાં દેશોમાં બાળકોની શારીરિક અને માનસિક આરોગ્ય માટે અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યાં છે. આ કારણે લક્સન દ્વારા આ બિલમાં રજૂ કરવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝર્સની ઉંમર વેરિફાઈ કરે. જો કોઈ 16 વર્ષથી નાની ઉંમરનો બાળક સોશિયલ મીડિયા પર જોવા મળે, તો કંપનીને 2 મિલિયન ન્યુઝીલેન્ડ ડોલરનો દંડ કરવામાં આવશે. લક્સન કહે છે, ‘સમય આવી ગયો છે કે ન્યુઝીલેન્ડ સ્વીકાર કરે કે સોશિયલ મીડિયા માટે કેટલીક સારી બાબતો હોય પણ તે બાળકો માટે હંમેશા સારી નથી. તેથી, આ પ્લેટફોર્મ પર નિયંત્રણ લાવવામાં આવે જેથી બાળકો ખરાબ કન્ટેન્ટ, સાઇબર બુલિંગ અને સતામણીથી દૂર રહી શકે.’
માતા-પિતા કરી રહ્યાં છે અપીલ
આ બિલ ક્યારે પાર્લામેન્ટમાં રજૂ કરવામાં આવશે, એ અંગે હજુ કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. જોકે, પ્રાઇમ મિનિસ્ટરને આશા છે કે તેમને તમામ લોકોનો ટેકો મળશે. આ કાયદાને તેમની નેશનલ પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, અને ન્યુઝીલેન્ડ સરકાર માટે દરેક પાર્ટીનો ટેકો જરૂરી છે. જો ટેકો મળ્યો, તો જ આ કાયદો અમલમાં આવશે. લક્સન કહે છે, ‘માતા-પિતા અમને સતત જણાવે છે કે તેઓ સોશિયલ મીડિયાની બાળકો પર થતી અસર અંગે ચિંતિત છે. તેમજ બાળકો સોશિયલ મીડિયા ઓછા ઉપયોગ કરે, તે માટે તેઓ યોગ્ય રીતે નિયંત્રણ રાખી શકતા નથી.’
ઓનલાઇન એક્સપોઝર
નેશનલ પાર્ટીની કેથરિન વેડ, જેમણે આ બિલની તૈયારીમાં સહકાર આપ્યો, તેમના અનુસાર સોશિયલ મીડિયા કંપનીઓને આ માટે જવાબદાર ગણવામાં આવવી જોઈએ. તેમનું માનવું છે, ‘એક માતા તરીકે, હું આશા રાખું છું કે જ્યારે બાળકોના ઓનલાઇન એક્સપોઝર અંગે ચર્ચા થાય, ત્યારે લોકો આ બિલ માટે ટેકો આપે.’
આ કાયદામાં સ્પષ્ટ કરાયેલ નથી કે તે કયા પ્લેટફોર્મ માટે લાગુ પડશે. ગયા વર્ષે, ન્યુઝીલેન્ડ સરકારે સ્કૂલોમાં બાળકો માટે મોબાઇલ ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે ભણતરનું પ્રમાણ ઘટી રહ્યું હતું.
ઓસ્ટ્રેલિયા પહેલે જ પ્રતિબંધ મૂકી ચૂક્યું
ઓસ્ટ્રેલિયા દ્વારા આ ઐતિહાસિક નિર્ણય પહેલાથી જ લેવામાં આવ્યો હતો. નવેમ્બરમાં, તેમણે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એક્સનો સમાવેશ થાય છે. જોકે, ઓસ્ટ્રેલિયાએ યુટ્યુબ પર પ્રતિબંધ મૂક્યો નથી, જેથી સ્કૂલી કામ માટે તેનો ઉપયોગ કરી શકાય. સોશિયલ મીડિયા કંપનીઓએ આ કાયદાનો તીવ્ર વિરોધ કર્યો હોવા છતાં, આ કાયદો ડિસેમ્બર સુધી અમલમાં આવશે. હવે જોવું રહ્યું કે ન્યુઝીલેન્ડમાં એ પસાર થાય છે કે નહીં.