Laptop online vs store: લૅપટૉપ ઑનલાઇન ખરીદવું કે સ્ટોર પર જઈને, આ પ્રશ્ન દર બીજા અઠવાડિયે કોઈને કોઈ મારી પાસે જરૂર પૂછે છે. મોટાભાગના લોકો ખરીદી કરતાં પહેલાં આ અંગે ચર્ચા કરે છે. મંગળવારે ટિપ્સટર અભિષેક યાદવે એક વિડિયો પણ શેર કર્યો હતો, જેમાં ઑનલાઇન મંગાવવામાં આવેલા એક લૅપટૉપના ડિસ્પ્લેમાં ખામી જોવા મળી હતી. તેને કસ્ટમર કેર તરફથી કોઈ મદદ મળી નહોતી. મેં ઑનલાઇન પણ લૅપટૉપ ખરીદ્યો છે અને ઑફલાઇન ઘણા લોકોને લૅપટૉપ ખરીદવામાં મદદ કરી છે. મારા અનુભવના આધારે હું સ્ટોરમાંથી લૅપટૉપ ખરીદવાની સલાહ આપીશ, પરંતુ ઘણા કિસ્સાઓમાં ઑનલાઇન ખરીદી પણ સારો વિકલ્પ સાબિત થાય છે. કેવી રીતે? જાણવા માટે આખો લેખ વાંચો.
ઑફલાઇન લૅપટૉપ ખરીદવાના ફાયદા અને નુકસાન
ગયા મહિને મેં મારા મામાની દીકરીને નવું લૅપટૉપ અપાવ્યુ હતું. તેને 14 ઇંચનું હલકુ લૅપટૉપ જોઈતું હતું અને તેનું બજેટ ₹1 લાખથી ઓછું હતું. અમે ઑનલાઇન ઘણા મૉડલ જોયા, પરંતુ મારી બહેન ઉપકરણ ખરીદતાં પહેલાં તેનો અનુભવ પણ લેવા માગતી હતી.
ઑફલાઇન લૅપટૉપ ખરીદવાનો પહેલો ફાયદો એ છે કે તમે સ્ટોર પર જઈને ઉપકરણનો જાતે અનુભવ લઈ શકો છો.
- ઑફલાઇન ખરીદીના ફાયદા: મારા માટે ઑફલાઇન લૅપટૉપ ખરીદવાનો સૌથી મોટો ફાયદો એ હતો કે અમે ખરીદી કરતાં પહેલાં લૅપટૉપનો જાતે અનુભવ લઈ શક્યા હતા.
- ઘણા લોકોને લાગે છે કે સ્ટોર પર સારું ડિસ્કાઉન્ટ મળતું નથી, પરંતુ અમે જે મૉડલ ખરીદ્યો હતો, તેના વર્તમાન ભાવ પર UPI પેમેન્ટ કરવા બદલ ₹5,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું હતું. જ્યારે કાર્ડ પર માત્ર ₹2,500નું ડિસ્કાઉન્ટ હતું.
- કુલ મળીને, HPનો 14 ઇંચનો, 16 GB RAM અને 512 GB સ્ટોરેજ ધરાવતો 2026નો મૉડલ મને ₹72,000માં મળ્યો.
- આ સાથે ₹1,999માં બે વર્ષની વધારાની વૉરંટી પણ લીધી. લૅપટૉપ સાથે જરૂરી ઍક્સેસરીઝ જેવી કે બૅગ, માઉસ, કીબોર્ડ પૅડ અને ક્લીનર પણ મળ્યાં.
- ઑફલાઇન ખરીદીનું નુકસાન: જોકે, ઑફલાઇન ખરીદી કરતી વખતે સ્ટોરના માલિકે મને જણાવ્યું હતું કે મોટાભાગના સ્ટોરમાં નવા મૉડલનું વેચાણ થાય છે. આવી સ્થિતિમાં જો કોઈ ગ્રાહક 2025 અથવા 2024નો મૉડલ ખરીદવા માગે, તો તે કદાચ ત્યાં નહીં મળે. જ્યારે ઑનલાઇન આ મૉડલ પર સારું ડિસ્કાઉન્ટ મળી શકે છે. જોકે, નિષ્ણાતો નવીનતમ ઉત્પાદન તારીખ ધરાવતો લૅપટૉપ ખરીદવાની જ સલાહ આપે છે.
ઑનલાઇન લૅપટૉપ ખરીદવાના ફાયદા અને નુકસાન
ઘણા લોકો ઑનલાઇન લૅપટૉપ ખરીદવાનું પસંદ કરે છે. તેમનું માનવું છે કે ઑનલાઇન વધુ સારી ડીલ મળે છે અને ઓછા ભાવે સારું ઉપકરણ મળી જાય છે. આ વાત ઘણી હદ સુધી સાચી પણ છે. ફ્લિપકાર્ટ અને ઍમેઝૉન જેવા પ્લૅટફૉર્મ પર ઘણા મૉડલ આકર્ષક ભાવે મળી જાય છે. પરંતુ ત્યાં કેટલીક મુશ્કેલીઓ પણ છે.
ઑનલાઇન લૅપટૉપ ખરીદવામાં આવતી મુશ્કેલીઓ: ઑનલાઇન લૅપટૉપ ખરીદ્યા પછી તેની જવાબદારી તે ડિલિવરી બૉય પર હોય છે, જે લૅપટૉપ લઈને તમારા ઘરે આવે છે. ઘણી વખત લોકો ડિલિવરી બૉયની સામે તરત જ ઉપકરણ ચાલુ કરીને તપાસી શકતા નથી. આવી સ્થિતિમાં લૅપટૉપની સ્ક્રીનને નુકસાન થયું હોય તો મુશ્કેલી ઊભી થાય છે.
કેટલાક વેચાણકર્તાઓ ઑનલાઇન એવા મૉડલ પણ વેચાણ માટે મૂકે છે, જે ઘણાં જૂનાં હોય છે, કંપનીએ પોતાના સત્તાવાર સ્ટૉકમાંથી દૂર કરી દીધાં હોય છે અથવા જે ભારતમાં લૉન્ચ જ થયાં નથી.
ઑનલાઇન લૅપટૉપ ખરીદવો ક્યારે ફાયદાકારક છે: જે મૉડલ જૂનાં થઈ ગયાં છે અને સત્તાવાર સ્ટોરમાં ઉપલબ્ધ નથી, તે ઑનલાઇન ડિસ્કાઉન્ટમાં ખરીદવા સરળ બને છે.
આ ઉપરાંત, તહેવારોની સેલ દરમિયાન ઑનલાઇન કાર્ડ ડિસ્કાઉન્ટના અનેક વિકલ્પો ઉપલબ્ધ હોય છે, જેના કારણે લોકો માટે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરવી સરળ બને છે.
તો અંતિમ નિર્ણય શું હોવો જોઈએ?
- જો તમે તાજેતરમાં લૉન્ચ થયેલું ઉત્પાદન ખરીદવા માગતા હો, તો ઑફલાઇન એટલે કે સ્ટોર પર જઈને અથવા બ્રૅન્ડની સત્તાવાર ઑનલાઇન વેબસાઇટ પરથી લૅપટૉપ ખરીદો. ત્યાં પણ તમને સારી ડીલ અને ડિસ્કાઉન્ટ મળી શકે છે.
- જો તમે એવો જૂનો મૉડલ શોધી રહ્યા હો, જે સ્ટોરમાં ઉપલબ્ધ નથી અને તેના પર ઑનલાઇન સારી ડીલ મળી રહી હોય, તો તમે ઑનલાઇન લૅપટૉપ ખરીદવાનું આયોજન કરી શકો છો.

