નવી દિલ્હી, તા. 13 : દેશમાં વધતા સ્માર્ટ ફોન વપરાશકારો અને ડિજિટલ કારોબાર, ગતિવિધિઓ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. `િડજિટલ સાક્ષરતા’ના એક સર્વેમાં તારણ મળ્યું છે કે, 15થી 29 વર્ષના એક તૃતિયાંશથી પણ ઓછા ભારતીય યુવાનો ઇન્ટરનેટ સર્ચ, ઇ-મેઇલ મોકલવા, મેળવવા અને ઓનલાઇન વ્યવહાર જેવાં કામો કરી શકે છે.
રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (એનએસઓ)એ કરેલા સર્વેક્ષણ મુજબ 15થી 29 વર્ષના માત્ર 28.5 ટકા યુવાનો ડિજિટલ ક્ષેત્રમાં સક્ષમ છે. ભારતના 16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ આંકડો રાષ્ટ્રીય સરેરાશથી પણ ઓછો છે, તેવું સર્વેના તારણ પરથી સમજાય છે. ગોવામાં સૌથી વધુ 65.7 ટકા યુવાનો ડિજિટલ ગતિવિધિઓમાં સક્ષમ છે. પછી કેરળમાં 53.4 ટકા, તામિલનાડુમાં 48 ટકા અને 47.2 ટકા સાથે તેલંગાણા ચોથા સ્થાને છે. બીજી તરફ મેઘાલયમાં સૌથી ઓછા માત્ર 7.5 ટકા યુવાનો ઇન્ટરનેટ સર્ચથી માંડીને ઓનલાઇન લેવડ-દેવડ જેવી હાઇટેક કામગીરીઓ જાતે કરી શકે છે.
ત્યારબાદ ત્રિપુરામાં 8.2 ટકા અને છત્તીસગઢમાં 11.9 ટકા, ઉત્તરપ્રદેશમાં 16 ટકા યુવાનો ડિજિટલી સક્રિય છે. સર્વેમાં કરાયેલા જાતિ આધારિત વિશ્લેષણ પર એક નજર કરતાં જાણવા મળે છે કે, માત્ર 21.6 ટકા યુવાન મહિલાઓ ઇન્ટરનેટ સર્ચ જેવાં કામો જાતે કરી શકે છે. બીજી તરફ ગ્રામીણ ભારતમાં માત્ર 14.5 ટકા યુવાન મહિલાઓ ડિજિટલ કામગીરી કરી શકે છે, તો 34.2 ટકા પુરુષો આ કામો કરી શકે છે. ગામડાંઓમાં ડિજિટલ લેવડ-દેવડ, ઇ-મેઇલ સહિત કામગીરી જાતે કરી શકતા યુવાનો માત્ર 28.12 ટકા છે. એનએસઓના સર્વે અનુસાર 84.2 ટકા યુવાનો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે, પરંતુ `જટિલ’ ડિજિટલ કામો કરવામાં સક્ષમ યુવાનોનું પ્રમાણ ઘણું ઓછું છે. એ સિવાય 63.2 ટકા યુવાનો ઇન્ટરનેટ પર સર્ચ કરી શકે છે. 49.8 ટકા યુવાનો ઇ-મેઇલ મોકલી-મેળવી શકે છે, તો 40.6 ટકા યુવાનો ઓનલાઇન બેંકિંગ કરી શકે છે.