Tripura University સમર્થિત સ્ટાર્ટઅપે વિકસાવી અનોખી Water Purification ટેક્નોલોજી, પૂરગ્રસ્ત પરિવારોને મળી રાહત
Portable Water Purification Technology: ક્યાંય પણ પૂરનો સૌથી વધુ પ્રભાવ ત્યારે જોવા મળે છે, જ્યારે પૂરનું પાણી ઊતરી જાય છે અને પીવાના પાણીના તમામ સ્ત્રોત દૂષિત થઈ જાય છે. સ્વાભાવિક રીતે જ તેના કારણે પીવાના પાણીની ભારે અછત સર્જાય છે. તેનાથી કોલેરા, ડાયેરિયા જેવી બીમારીઓ ફેલાવાનો ખતરો વધી જાય છે. આસામ પણ દર વર્ષે પૂર દરમિયાન આ તમામ પરિસ્થિતિનો સાક્ષી બનતું રહ્યું છે. જોકે, આ વખતે ઇન્સ્ટાવોટર સ્ટાર્ટઅપ પોતાની પેટન્ટેડ મોબાઇલ વોટર પ્યુરિફિકેશન ટેક્નોલોજીની મદદથી પૂરના ગંદા પાણીને તરત જ પીવાલાયક બનાવી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી રહ્યું છે.
આ સ્ટાર્ટઅપને Tripura University નો સહયોગ પ્રાપ્ત છે, જે અત્યાર સુધીમાં પૂરના 2000 લિટર ગંદા પાણીને શુદ્ધ કરીને 30 કરતાં વધુ પરિવારોને મદદ કરી ચૂક્યું છે. આ ડિવાઇસની ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજી પર આધારિત છે.
પૂર બાદના સૌથી મોટા સંકટનો ઉકેલ
- ઇન્સ્ટાવોટરની મોબાઇલ વોટર પ્યુરિફિકેશન ટેક્નોલોજી પૂર બાદ ઊભા થતા સૌથી મોટા સંકટ એટલે કે પીવાના પાણીની અછતનો ઉકેલ આપે છે. હકીકતમાં પૂર પછી કૂવા, તળાવ અને નળનું પાણી ગટર તથા કચરાના કારણે દૂષિત થઈ જાય છે.
- ત્યારબાદ રાહત શિબિરોમાં રહેલા લોકો સુધી પીવાનું પાણી પહોંચાડવું એક યુદ્ધ સમાન બની જાય છે. ઉપરાંત બોટલબંદ પાણી દૂરના વિસ્તારો સુધી પહોંચાડવું ખૂબ જ ખર્ચાળ અને મુશ્કેલ કાર્ય છે.
- બીજી તરફ દૂષિત પાણીથી કોલેરા, ડાયેરિયા જેવી બીમારીઓ પણ ઝડપથી ફેલાય છે. આવી સ્થિતિમાં પૂરના પાણીને તરત જ શુદ્ધ કરીને પીવાલાયક પાણીમાં ફેરવતી આ ટેક્નોલોજી એક મોટી સમસ્યાનો ઉકેલ આપે છે.
ઇન્સ્ટાવોટરની ખાસ ટેક્નોલોજી
- Tripura University દ્વારા સમર્થિત સ્ટાર્ટઅપ ઇન્સ્ટાવોટરે વિકસાવેલી આ ટેક્નોલોજીને સરળતાથી ક્યાંય પણ લઈ જઈ શકાય છે. ઉપરાંત તે પૂરના પાણીને તરત જ પીવાલાયક બનાવવાની ક્ષમતા ધરાવે છે.
- તેની સૌથી મોટી ખાસિયત એ છે કે જો આ ટેક્નોલોજી દરેક જગ્યાએ અગાઉથી ઉપલબ્ધ હોય, તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થળ પર જ પીવાનું પાણી તૈયાર કરી શકાય છે.
- નોંધનીય છે કે તાજેતરમાં ઇન્સ્ટાવોટરના સ્થાપક પ્રોફેસર હરજીત નાથ, M.Tech વિદ્યાર્થી અસીમ અને ટેક્નિશિયન શાંતનુ આસામના અમગૂરી પહોંચ્યા હતા. ત્યાં તેમની ટીમે પોતાની પ્યુરિફિકેશન યુનિટની મદદથી 2000 લિટર સુધીના પાણીને શુદ્ધ પીવાના પાણીમાં ફેરવ્યું હતું. તેનાથી માત્ર જળસંકટ અટકાવવું જ નહીં, પરંતુ ગામને બીમારીઓથી બચાવવું પણ શક્ય બન્યું હતું.
પૂરનું પાણી કેવી રીતે બને છે પીવાલાયક?
ઇન્સ્ટાવોટરની વોટર પ્યુરિફિકેશન ટેક્નોલોજી પોર્ટેબલ અને પેટન્ટેડ છે. આ ટેક્નોલોજી પૂરગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવી શકે છે. આ મશીનમાં એક પંપ હોય છે, જે પૂરના દૂષિત પાણીને ખેંચે છે અને ત્યારબાદ WHO સ્ટાન્ડર્ડ્સને ધ્યાનમાં રાખીને પાણીમાં રહેલી અશુદ્ધિઓને અનેક ફિલ્ટ્રેશન પ્રક્રિયાઓ દ્વારા દૂર કરવામાં આવે છે.
ખાસ વાત એ છે કે આ ટેક્નોલોજી પાણીમાંથી માટી, કાદવ અને સૂક્ષ્મ કણોને અલગ કરવાની સાથે ગટરના કારણે ફેલાતા કોલેરા, ડાયેરિયા અને અન્ય જળજનિત બીમારીઓના ખતરનાક બેક્ટેરિયા, વાયરસ તથા રસાયણોને સંપૂર્ણપણે નષ્ટ કરી દે છે. આ જ કારણ છે કે તે ગંદા અને દૂષિત પાણીને મિનિટોમાં આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર શુદ્ધ અને સુરક્ષિત પીવાના પાણીમાં પરિવર્તિત કરી દે છે.

