Sam Altman Mind Reading Project: સર્જરી વિના મગજ વાંચવાની નવી તકનીક તરફ સેમ ઓલ્ટમેનનો પ્રયાસ

Arati Parmar
4 Min Read

Sam Altman Mind Reading Project: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના જમાનામાં ટેક્નોસેવી હશે એવી ભાગ્યેજ કોઈ વ્યક્તિ એઆઈ ચેટ સર્વિસ ‘ChatGPT’ થી પરિચિત નહીં હોય. ChatGPTની માલિક કંપની છે ‘OpenAI’. આ કંપનીના સ્થાપક અને સીઈઓ સેમ ઓલ્ટમેન હવે એવી તકનીક વિકસાવવા માટે પ્રયત્નશીલ છે, જેના દ્વારા માણસના મનમાં ચાલતા વિચારોને ‘વાંચી શકાય’. આમ તો આવો હેતુ પાર પાડવા માટે શસ્ત્રક્રિયા કરીને મગજમાં ઇમ્પ્લાન્ટ નાખવાની જરૂર પડે છે, પરંતુ ઓલ્ટમેન કંઈક નવી પદ્ધતિનો ઉપયોગ કરીને આ દિશામાં આગળ વધવા માંગે છે.

સર્જરી વિના મગજ વાંચવાની ક્રાંતિ 

- Advertisement -

માણસના મગજમાં ચાલતા વિચારોને વાંચી લેવા માટેના પ્રયોગો ઈલોન મસ્કની કંપની ‘ન્યુરાલિંક’ કરી જ રહી છે, પણ સેમ ઓલ્ટમેનનું વિઝન જુદું છે. આ કામ માટે તેઓ ‘મર્જ લેબ્સ’ નામના એક નવા સ્ટાર્ટઅપનું સમર્થન કરી રહ્યા છે, જે ન્યુરાલિંકની જેમ માણસની ખોપરી ચીરીને મગજમાં કોઈ ચિપ નાંખવાને બદલે ફક્ત ધ્વનિ તરંગો અને વૈજ્ઞાનિક સિદ્ધાંતોના આધારે એક બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ (BCI) બનાવીને પોતાનો હેતુ પાર પાડશે.

ન્યુરાલિંકથી વિપરીત સુરક્ષિત વિકલ્પ

સેમ ઓલ્ટમેનનું આ સાહસ ઈલોન મસ્કની ન્યુરાલિંક પદ્ધતિ જેવું જોખમી નથી, કેમ કે આમાં મગજની શસ્ત્રક્રિયા કરવાની હોતી નથી. ‘મર્જ લેબ્સ’ની તકનીક અલ્ટ્રાસાઉન્ડ, ચુંબકીય ક્ષેત્રો અને જનીન એન્જિનિયરિંગ પર આધારિત છે, જે માણસના મગજને કમ્પ્યુટર સાથે જોડવાનો સરળ રસ્તો છે. તેમનું લક્ષ્ય અલ્ટ્રાસાઉન્ડ તરંગોનો ઉપયોગ કરીને માનવમગજના ચેતાકોષો સાથે સંપર્ક સાધવાનું છે. આ પદ્ધતિ દ્વારા શરીરની પોતાની જ જૈવિક પ્રણાલીને એક વાયરલેસ ઇન્ટરફેસમાં રૂપાંતરિત કરી શકાશે, જે મગજ અને મશીન વચ્ચેનો સંપર્ક સ્થાપિત કરશે.

પ્રતિભાશાળી ટીમનું નિર્માણ કરાઈ રહ્યું છે

આ કામ માટે સેમ ઓલ્ટમેન એક પ્રતિભાશાળી ટીમ ઊભી કરી રહ્યા છે, જેમાં ‘કેલ્ટેક’ના પ્રખ્યાત બાયોમોલેક્યુલર એન્જિનિયર મિખાઇલ શાપિરોનો પણ છે. તેઓ ન્યુરલ ઇમેજિંગ અને અલ્ટ્રાસાઉન્ડ દ્વારા મગજના અભ્યાસ માટે જાણીતા છે. ‘ટુલ્સ ફોર હ્યુમેનિટી’(અગાઉ ‘વર્લ્ડકોઇન’)ના સીઈઓ એલેક્સ બ્લેનિયા પણ આ ટીમમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ફક્ત વિચારો વાંચશે, એમાં દખલ નહીં કરે

સેમ ઓલ્ટમેનને મગજમાં કંઈ પણ ઇમ્પ્લાન્ટ કરવાનો વિચાર પસંદ ન હોવાથી તેઓ આ પ્રકારનો પ્રોજેક્ટ વિકસાવવા જઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે, માનવીના વિચારોને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) સાથે જોડવાનો વિચાર ખૂબ આકર્ષક છે, પણ AI માનવીના વિચારોમાં દખલ કરવા લાગે એ યોગ્ય નથી. AI ફક્ત માનવીના મગજમાં ચાલતા વિચારો વાંચીને પોતાનો પ્રતિભાવ આપે, એટલું જ કાફી છે.

આમ, ઓલ્ટમેનની મર્જ લેબ્સનો હેતુ ‘ફક્ત માણસના વિચારો વાંચવા’ પર કેન્દ્રિત હશે, એમાં AI દ્વારા માનવ વિચારોમાં ફેરફાર કરવાનો સમાવેશ થતો નથી.

મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને તોતિંગ બજેટની જરૂરિયાત 

આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને આગળ વધારવા માટે મોટા પ્રમાણમાં ભંડોળની જરૂર પડશે. અહેવાલો મુજબ, ઓપનએઆઈનો રોકાણ વિભાગ આ કામ માટે 250 મિલિયન ડોલર (લગભગ 2,195 કરોડ રૂપિયા) જેટલી રકમ વિવિધ રોકાણકારો પાસેથી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઓલ્ટમેન આ પ્રોજેક્ટના સહ-સ્થાપક ગણાશે, પણ તેઓ રોજબરોજના કાર્યોમાં સક્રિય રહેશે નહીં.

માનવમગજ ગજબ ક્રાંતિનું સાક્ષી બનશે 

જો આ પ્રોજેક્ટમાં સફળતા મળશે તો એ દિવસો દૂર નથી જ્યારે તમે બોલીને કે ટાઈપ કરવાને બદલે મગજથી વિચારીને ચેટજીપીટી સામે કોઈ વિચાર કે સવાલ રમતો મુકશો અને એનો જવાબ પણ કોઈ ડિવાઈસના સ્ક્રીન પર વાંચવાને બદલે પોતાના મગજમાં જ ‘ફણગાવી’ શકશો. આમ થવાથી માનવમગજની વૈચારિક પ્રક્રિયામાં ગજબની ઝડપ આવશે. સેમ ઓલ્ટમેનની બિન જોખમી પદ્ધતિ ઈલોન મસ્કની શસ્ત્રક્રિયા વાળી ન્યુરાલિંક પદ્ધતિ પર કાયમી પડદો પાડી દે, એની પણ શક્યતા ખરી.

અલબત્ત, કુદરતના કામમાં દખલ કરવા માટે આ પ્રોજેક્ટ સામે નૈતિક અને નિયમનકારી મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે.

Share This Article