Govt-Meta Tieup Microdrama Series: ઑનલાઇન છેતરપિંડીથી લોકોને બચાવવા સરકાર અને Metaની ભાગીદારી, Instagram પર આવશે માઇક્રો-ડ્રામા સિરીઝ

Arati Parmar
2 Min Read
Govt-Meta Tieup Microdrama Series

Govt-Meta Tieup Microdrama Series: માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB), પ્રસાર ભારતી, ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) અને ઇન્ડિયન સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર (I4C)એ ઑનલાઇન કૌભાંડો અંગે લોકોને જાગૃત કરવા માટે માઇક્રો-ડ્રામા સિરીઝ શરૂ કરવા Meta સાથે ભાગીદારી કરી છે. આ સિરીઝની જાહેરાત કરી દેવામાં આવી છે. સિરીઝ સૌપ્રથમ Metaના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર રિલીઝ કરવામાં આવશે. ત્યારબાદ તે પ્રસાર ભારતીના Waves OTT પ્લેટફોર્મ પર આવશે.

‘સ્કેમ સે બચો’ હશે સિરીઝનું નામ

‘સ્કેમ સે બચો’ નામની આ સિરીઝ નાના-નાના વીડિયો એટલે કે માઇક્રો-ડ્રામા દ્વારા લોકોને ડિજિટલ છેતરપિંડીની સામાન્ય રીતો વિશે માહિતી આપશે. તેમાં નકલી નોકરીની ઑફર, રોકાણ સંબંધિત કૌભાંડો અને ડિજિટલ અરેસ્ટ જેવી છેતરપિંડી વિશે જણાવવામાં આવશે.

- Advertisement -

આ ઉપરાંત, લોકોને શંકાસ્પદ ઑનલાઇન પ્રવૃત્તિઓ ઓળખવા, કોઈપણ પગલું ભરતાં પહેલાં માહિતીની પુષ્ટિ કરવા અને 1930 નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફોન કરીને સાયબર છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

કન્ટેન્ટ ક્રિએટર્સને મળશે પ્રોત્સાહન

આ પહેલ Metaના અગાઉથી ચાલી રહેલા ‘સ્કેમ સે બચો’ અભિયાનનો જ એક ભાગ છે. સરકારી એજન્સીઓ સાથે મળીને જાગૃતિ ફિલ્મો, ક્રિએટર્સના કન્ટેન્ટ અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ નવી ભાગીદારીનો હેતુ માઇક્રો-ડ્રામા દ્વારા આ પ્રયાસોને વધુ આગળ વધારવાનો છે.

- Advertisement -

પ્રસાર ભારતીના CEO અનુસાર, આ પહેલથી ભારતમાં વધી રહેલી ક્રિએટર ઇકોનોમીને પણ પ્રોત્સાહન મળશે. તેમણે જણાવ્યું કે Waves OTT અને પ્રસાર ભારતીનો હેતુ માઇક્રો-ડ્રામા દ્વારા જનહિત સાથે જોડાયેલી માહિતી લોકો સુધી પહોંચાડવાનો છે.

લોકોને સુરક્ષિત રાખવાનો પ્રયાસ

ભારતમાં ડિજિટલ સાયબર હુમલા અને ઑનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આજે સાયબર ગુનેગારો સામાન્ય નાગરિકો સાથે છેતરપિંડી કરવા માટે નકલી ફોન કૉલ, બનાવટી રોકાણ એપ્સ, KYC અપડેટના નામે ફિશિંગ લિંક અને ડિજિટલ અરેસ્ટ જેવી નવી-નવી રીતો અપનાવી રહ્યા છે. તેના કારણે દર વર્ષે લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

- Advertisement -

ઘણીવાર માહિતી અને જાગૃતિના અભાવને કારણે ભણેલા-ગણેલા લોકો પણ આ સાયબર ઠગોની જાળમાં સરળતાથી ફસાઈ જાય છે. આવી સ્થિતિમાં સરકાર અને ટેક્નોલોજી કંપનીઓની આ પ્રકારની પહેલ ખૂબ જરૂરી બની જાય છે, જેથી સામાન્ય લોકો સમયસર આ જોખમોને ઓળખી શકે અને પોતાને નુકસાનથી સુરક્ષિત રાખી શકે.

Share This Article