Sodium Ion Battery: આજે જો આપણે આપણી આસપાસ નજર ફેરવીએ, તો જોવા મળશે કે આપણે લિથિયમ આયન બેટરીઓથી ઘેરાયેલા છીએ. તેનો એક મોટો હિસ્સો અન્ય દેશોમાંથી આવે છે. જોકે પુણેના એક ડીપ-ટેક સ્ટાર્ટઅપે પહેલી 1 kWh ક્ષમતાવાળી સોડિયમ-આયન બેટરી રજૂ કરી છે. એનર્જી એફિશિયન્સી સમિટ 2026ના મંચ પરથી સામે આવેલા આ સમાચાર ભારતને બેટરી ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનાવી શકે છે. હાલમાં આ સ્વદેશી બેટરી હૈદરાબાદ સ્થિત CIIના ગોદરેજ ગ્રીન બિઝનેસ સેન્ટરમાં સોલર પેનલ્સની મદદથી ચાર્જ થઈને પોતાનું કામ કરી રહી છે.
ભારતની નવી બેટરીમાં ખાસ શું છે?
રિપોર્ટ્સ અનુસાર હૈદરાબાદમાં CIIના ગોદરેજ ગ્રીન બિઝનેસ સેન્ટરની છતો પર સોલર પેનલ્સ લગાવવામાં આવ્યા છે. તેની મદદથી બનતી વીજળી આ 1 kWh સોડિયમ-આયન બેટરીમાં સંગ્રહિત થાય છે. ત્યારબાદ બેટરીની મદદથી સેન્ટરની બહાર લગાવવામાં આવેલા એક મોટા ડિસ્પ્લેને પ્રકાશિત કરવામાં આવે છે.
આ સિસ્ટમની ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે પોતાના દમ પર ચાલતી સિસ્ટમ છે. આ ટેક્નોલોજીએ બેટરીથી આગળ વીજળી પહોંચાડવા માટે કરંટને DCમાંથી ACમાં બદલવાની ઝંઝટ પણ દૂર કરી દીધી છે. કરંટનું સ્વરૂપ ન બદલવાના કારણે પાવર લોસ પણ નહિવત્ થાય છે.
CII આ પહેલી ભારતીય બેટરીનો ગ્રાહક બની ચૂક્યું છે.
લિથિયમ બેટરી કરતાં વધુ સારી છે સોડિયમ બેટરી?
લિથિયમ અને સોડિયમ બેટરીમાં ફરક કરવામાં આવે, તો તેની પહેલી ખાસિયત એ છે કે લિથિયમ આપણી પાસે મર્યાદિત છે અને સોડિયમનો ભંડાર આપણને પ્રકૃતિએ આપ્યો છે. આ કંપનીનું કહેવું છે કે આ ટેક્નોલોજી આગળ વધવાની સાથે જ ભારતને બહારથી મોંઘું લિથિયમ, નિકલ અને કોબાલ્ટ મંગાવવાની જરૂર જ નહીં રહે.
આ બેટરીને અત્યંત સ્માર્ટ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં હાર્ડ-કાર્બન એનોડ અને બંને તરફ એલ્યુમિનિયમનું ખાસ કરંટ-કલેક્ટર માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
તેના કારણે બેટરી ઝડપથી ચાર્જ થાય છે અને ગરમ થવા પર સુરક્ષિત પણ રહે છે. ભારત જેવા દેશમાં જ્યાં ગરમી અને ઠંડી ભરપૂર પ્રમાણમાં મળે છે, આ બેટરી પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી શકે છે.
રિસર્ચર પતિ-પત્નીની સફળ કોશિશ
આ બેટરી રિચાર્જિયન એનર્જીએ તૈયાર કરી છે. આ સ્ટાર્ટઅપનો પાયો 2021માં નાખવામાં આવ્યો હતો. તેની શરૂઆત વ્યવસાયે રિસર્ચર પતિ-પત્ની ડૉ. વિલાસ શેળકે અને ડૉ. મંજુષા શેળકેએ પોતાના સાથી સંશોધક ડૉ. જ્હોન રેમન્ડ નોર્મનટન સાથે મળીને કરી હતી.
લેબથી શરૂ થયેલું આ સપનું ઝડપથી હકીકત બની ગયું. 2024માં આ કંપનીએ ભારતનો પહેલો સોડિયમ-આયન સેલ બનાવતો પાઇલટ પ્લાન્ટ શરૂ કર્યો હતો. ત્યારબાદ તેમણે 2025માં કડક સુરક્ષા ધોરણો ધરાવતા ARAI વેલિડેશન ટેસ્ટને પાસ કરીને ઇતિહાસ રચ્યો.
આજે આ કંપની પાસે અલગ-અલગ કદ અને ક્ષમતાવાળા સોડિયમ-આયન સેલ્સ તૈયાર છે. આવી સ્થિતિમાં એ દિવસ દૂર નથી જ્યારે દેશમાં આપણને લિથિયમની જગ્યાએ સોડિયમ આયન બેટરીઓનો ઉપયોગ થતો જોવા મળશે.

