નવી દિલ્હી, તા. 30 : ટી20 વિશ્વકપ જીત્યા બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. આ દરમિયાન એક એક કરીને બે ભારતીય ક્રિકેટરોએ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસનું એલાન કરી દીધું છે. પહેલા વિરાટ કોહલીએ કહ્યું હતું કે, આ તેની અંતિમ ટી20 ક્રિકેટ મેચ હતી. તેના અમુક સમય બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ ટી20 ક્રિકેટમાંથી સંન્યાસનું એલાન કરી દીધું હતું. આઇસીસીએ પણ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર આ જાણકારી શેર કરી હતી.

આઈસીસીએ લખ્યું હતું કે વિરાટ કોહલી બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ ટી20 આંતરરાષ્ટ્રીયમાંથી સંન્યાસનો નિર્ણય કર્યો છે. 37 વર્ષિય રોહિતની કેપ્ટનશિપમાં શનિવારે ઈતિહાસ રચાયો હતો. ભારતે ટી20 વિશ્વકપ પોતાનાં નામે કરી લીધો છે. આ સાથે જ ચોથી વખત કોઈ વિશ્વકપ નામે કર્યો છે. ભારતીય ટીમે ફાઇનલ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવ્યું હતું. મેચ બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આ તેની અંતિમ ટી20 મેચ હતી. અલવીદા કહેવા માટે આનાથી વધારે યોગ્ય સમય આવી શકે નહીં. તેને ખિતાબની ખૂબ ઈચ્છા હતી. જેને શબ્દોમાં કહેવી મુશ્કેલ છે.
તે ઈચ્છતો હતો કે ટ્રોફી જીતી શકે. ખુશી છે કે આ વખતે ફાઇનલમાં જીત મળી છે. 2022ના ટી20 વિશ્વકપમાં પણ ભારતીય ટીમ રોહિતનાં નેતૃત્વમાં ઉતરી હતી પણ સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડયો હતો. જેના એક વર્ષ બાદ ઘરેલુ મેદાન ઉપર ટીમ વનડે વિશ્વકપના ફાઇનલમાં રમી હતી પણ ઓસ્ટ્રેલિયા સામે હારી હતી. કોહલીએ પણ શનિવારે જીત બાદ કહ્યું હતું કે આ અંતિમ ટી20 વિશ્વકપ હતો. જે કરવા માગતા હતા તે મળી ગયું છે.

