નવી દિલ્હી, તા.12: ઈઝરાયલને જેની ભીતિ છે તે ઈરાનનાં હુમલાની ઘડીઓ ગણાતી હોય તેવી હાલત છે. ઈરાન હવે કોઈપણ ઘડીએ ઈઝરાયલ ઉપર ત્રાટકે તેવી શક્યતા છે. ઈરાનમાં તેહરાનમાં હમાસનાં વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરાયા બાદ ઈરાને ઈઝરાયલને બદલો લેવાની ધમકીઓ આપેલી અને હવે ઈરાન ત્રાટકવાની તૈયારીમાં હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. દુનિયાની અનેક એરલાઈન કંપનીઓએ ઈઝરાયલ જતી તમામ ફ્લાઈટ રદ કરી નાખી છે.

અમેરિકાએ પણ ઈરાન કોઈ સાહસ કરે તો ઈઝરાયલનાં સમર્થનમાં જવાબી કાર્યવાહી માટે મધ્યપૂર્વમાં ગાઈડેડ મિસાઈલ સબમરિન તૈનાતીનાં આદેશ છોડી દીધા છે. આટલું જ નહીં, ઈઝરાયલનાં સૌથી મોટા દુશ્મનોમાં સામેલ હિઝબુલ્લાહે પણ પોતાનાં ઓપરેશનલ સેન્ટરને લેબનાનની રાજધાની બેરુતથી દૂર ખસેડી લીધું છે. ઈઝરાયલે આશંકા વ્યક્ત કરી છે કે, ઈરાન હવે બહુ જલ્દી એક મોટો હુમલો કરી શકે છે. જો કે ઈઝરાયલની સેના તરફથી હજી સુધી પોતાનાં નાગરિકો માટે કોઈ જ ચેતવણી જારી કરાઈ નથી.
ઈઝરાયલનાં રક્ષામંત્રી યોઆવ ગેલેંટે અમેરિકાનાં રક્ષા સચિવ લોયડ ઓસ્ટિનને જણાવ્યું હતું કે, ઈરાને મોટાપાયે હુમલો કરવાની તૈયારી કરી છે. આ પહેલા શુક્રવારે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સનાં ડેપ્યુટી કમાન્ડરે પણ કહેલું કે, ઈરાનનાં સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈનાં આદેશ અનુસાર ઈઝરાયલને કઠોર દંડ આપવા માટે તે તૈયાર છે. ઈઝરાયલની હાલત પેઢીઓ સુધી યાદ રખાશે તેવી ધમકી ખામેનેઈએ આપી હતી. ઉલ્લેખનીય છે કે, આજે 12 ઓગસ્ટ ઈઝરાયલનાં જેરુસલેમમાં યહુદી મંદિરનાં ધ્વંશની વરસી છે. જેને હીબ્રુમાં તિશાબાવ કહે છે. અમેરિકાનાં પણ આશંકા છે કે, આ દિવસને ધ્યાને રાખીને આજની રાતે જ ઈરાન પૂરી તાકાતથી ઈઝરાયલ ઉપર હુમલો કરી શકે છે.

