FDI Rules India 2026: પ્રેસ નોટ 3 (Press Note 3) ના નિયમોમાં ફેરફાર કરીને ભારતની જમીની સરહદ સાથે જોડાયેલા દેશો પાસેથી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) નો માર્ગ સરળ બનાવવાની મંજૂરી મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આપવામાં આવી હતી. આ અંગે બુધવારે કોમર્સ મિનિસ્ટ્રીના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે ચીન, હોંગકોંગ કે ભારતના પાડોશી દેશોમાં નોંધાયેલી કંપનીઓના કિસ્સામાં નિયમો હળવા કરવામાં આવ્યા નથી.
તેમણે જણાવ્યું હતું કે, ઓટોમેટિક રૂટથી FDI મંજૂરીની રાહત માત્ર એવા વિદેશી રોકાણો માટે હશે જેમાં ચીન સહિત ભારતના પાડોશી દેશોના લોકોની ભાગીદારી 10% સુધી જ હોય. આ સાથે વિવિધ ક્ષેત્રોમાં FDI માટેની જે મર્યાદાઓ છે તેનું પણ પાલન કરવું પડશે.
શું છે નવો નિયમ?
એપ્રિલ 2020 માં પ્રેસ નોટ 3 ની વ્યવસ્થા લાગુ થયા પછી એવો નિયમ હતો કે એવી કોઈપણ વિદેશી કંપનીના FDI પ્રસ્તાવને ઓટોમેટિક રૂટને બદલે સરકારી સ્તરે મંજૂરી લેવી પડતી હતી, જેમાં ચીન સહિત ભારતની જમીની સરહદ સાથે જોડાયેલા કોઈપણ દેશના નાગરિક પાસે એક પણ શેર હોય.
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) ના જોઈન્ટ સેક્રેટરી જય પ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, જમીની સરહદ ધરાવતા પાડોશી દેશોના રોકાણકારો માટેના તમામ પ્રતિબંધો હજુ પણ અમલમાં છે. છૂટછાટ માત્ર એ દેશોની બહારની વિદેશી કંપનીઓના કિસ્સામાં છે જેમાં પાડોશી દેશોના ‘બેનિફિશિયલ ઓનર્સ’ પાસે હિસ્સેદારી 10% થી ઓછી હોય અને તેમની પાસે કંપનીનું નિયંત્રણ (Control) ન હોય.
નીતિ આયોગે કરી હતી ભલામણ
વર્ષ 2025 માં નીતિ આયોગે ચીનના રોકાણ માટે નિયમો સરળ બનાવવાનું સૂચન કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે 24% સુધીના FDI માટે ફરજિયાત સરકારી મંજૂરીની જરૂરિયાત દૂર કરી શકાય છે.
આ સૂચન એવા સમયે આવ્યું હતું જ્યારે તાજેતરના મહિનાઓમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારાના સંકેતો જોવા મળ્યા હતા. આ સુધારામાં મંત્રીઓની મુલાકાતો, અધિકારીઓ વચ્ચેની વાતચીત અને સીધી ફ્લાઇટ્સ તથા પ્રવાસન પ્રવાહ પુનઃસ્થાપિત કરવાની દિશામાં થયેલી પ્રગતિનો સમાવેશ થાય છે. સરહદી મુદ્દાઓ પર વાતચીત તેજ કરવાના પ્રયાસોએ પણ સંબંધોમાં નરમાશ લાવવામાં મદદ કરી છે.

