મુંબઈ, તા. 25 : કોલકાતાના દુષ્કર્મ અને હત્યાકાંડથી દેશભરમાં આક્રોશ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે, મહિલાઓ વિરુદ્ધ અપરાધ અક્ષમ્ય છે… પાપ છે… આવા અપરાધીઓને સજા માટે અમે કાયદાને કડક બનાવી રહ્યા છીએ. મહારાષ્ટ્રનાં જલગાંવમાં લખપતિ દીદી સંમેલનમાં મહિલાઓને પ્રમાણપત્ર વિતરણ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે, અપરાધીઓને બચાવે છે, તેમને પણ છોડવામાં આવશે નહીં. મમતા બેનર્જીની સરકારને પણ ઈશારામાં ચેતવણી આપતાં મોદીએ જણાવ્યું હતું કે, બધાનો હિસાબ કરાશે.
આ સંદેશ ઉપરથી નીચે સુધી બિલકુલ સાફ જેવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, હોસ્પિટલ, શાળા, કોલેજ, પોલીસ તંત્ર જે કોઈ પણ મહિલાઓ સામે અપરાધમાં સામેલ હોય, તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આજે હું વધુ એકવાર દેશના દરેક રાજકીય પક્ષ, દરેક રાજ્ય સરકારને કહીશ કે, દોષી કોઈ પણ હોય, બચવો ન જોઈએ. તેને કોઈ પણ રૂપમાં મદદ કરનારા પણ બચવા ન જોઈએ, તેવું વડાપ્રધાન બોલ્યા હતા. પહેલાં ફરિયાદો આવતી હતી કે, એફઆઈઆર નોંધાતી નથી. અમે બીએનએસ લાવીને તેમાં અનેક સંશોધન કર્યા.

જો મહિલા પોલીસ સ્ટેશને જવા નથી માગતી, તો ઓનલાઈન એફઆઈઆર કરી શકે છે. `ઈ-એફઆઈઆર’ સાથે કોઈ છેડછાડ કે બદલાવ કરી નહીં શકે તેવું મોદીએ કહ્યું હતું. મહિલાઓ વિરોધી અપરાધના મામલાઓમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોની સાથે છે, તેવી ધરપત પણ વડાપ્રધાને આપી હતી. વડાપ્રધાને ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે, પહેલાંની સરકારોના સાત દાયકા એક તરફ અને બીજાં ત્રાજ્વાંમાં મોદીની સરકારનાં 10 વર્ષ રાખી જુઓ. જેટલું કામ મોદી સરકારે દેશની બહેન – દીકરીઓ માટે કર્યું છે, તેટલું આઝાદી બાદ કોઈ સરકારે નથી કર્યું તેવું વડાપ્રધાને કહ્યું હતું. મોદીએ કહ્યુ હતું કે, આજે ત્રણેય સેનામાં મહિલા અધિકારી તૈનાત છે. ગામોમાં કૃષિ, ડેરીથી માંડીને સ્ટાર્ટઅપ્સ સુધી દરેક ક્ષેત્રમાં મહિલાઓ છે.

