ભુજ, તા. 17 : દિવાળીના તહેવારો નજીક આવતા જાય છે અને ગૃહિણીઓ પણ સાફ-સફાઇ સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત છે, પરંતુ દિવાળી ક્યારે કરવી તેવી તિથિઓની અવઢવના કારણે ઘણા લોકોના ફોન પણ આવી રહ્યા છે. લક્ષ્મીપૂજન ક્યારે કરવું એ પણ સવાલ છે.
ગુજરાતના વિવિધ પંચાંગમાં પણ દિવાળી ક્યાંક 31/10 તો ક્યાંક 1/11માં બતાવાઇ છે. દિવાળી અંતર્ગત વિવિધ?સંશોધન બાદ જ્યોતિષ?નિષ્ણાત પંડિત વિશ્વનાથભાઇ જોષીનું વિવિધ પાસાંઓની છણાવટ બાદ એવું માનવું છે કે, તા. 31/10ના બપોરે 15.53થી દિવાળી (અમાસ)નો પ્રારંભ થાય છે અને રાત્રિ વ્યાપિની અમાવસ્યા છે. પ્રદોષ?વ્યાપિની છે. જેથી લક્ષ્મીપૂજન કરવું શાત્ર મત છે. તા. 1/11ના સૂર્યાસ્ત પછી ફક્ત 14 મિનિટ જ અમાવસ્યા મળે છે. સૂર્યાસ્ત પછી 1 ઘટી કે 1 ઘટીથી વધારે અમાવસ્યા નથી તેવું `જન્મભૂમિ’?પંચાંગમાં પણ વિવિધ?ગ્રંથના ઉલ્લેખ સાથે દર્શાવાયું છે.
ભારતના પૂર્વથી પશ્ચિમ ભાગમાં ખાસ કરીને પશ્ચિમ ભાગમાં સૂર્યાસ્ત પછી 1 ઘટીથી ઓછી અમાવસ્યા મળે છે. આમ, તા. 31/10ના લક્ષ્મીપૂજન કરી શકાય. વ્હોટસએપ ગ્રુપમાં 40 પંચાગ (પૂર્વિય, મધ્ય રાજ્યોના) તા. 1/11ના લક્ષ્મીપૂજન કરવા પોતાનો મત આપે છે તેવા મેસેજ ફરે છે. પરંતુ પૂર્વ-પશ્ચિમના વિસ્તારોના સૂર્યાસ્ત સમયમાં તફાવત આવતો હોય છે જેથી ગત હોળીમાં પણ સૂર્યાસ્તના તફાવતના કારણે કચ્છ, ગુજરાત તેમજ પૂર્વિય વિસ્તારોમાં મુહૂર્તનો સમય અલગ-અલગ હતો.
તા. 1/11ના સાંજે 6.17 સુધી અમાસ (દિવાળી) છે, 6.17 પછી એકમ છે. પરંતુ ઉદિત તિથિના નિયમ પ્રમાણે તા. 1/11ના પણ દિવાળી પર્વ કરી શકાય. કારણ કે સૂર્યોદય અમાસ તિથિના થાય છે તેથી તા. 1/11ના પણ દિવાળી ગણી લક્ષ્મીપૂજન કરી શકાય જેમાં સંશય ન રાખવો જોઇએ. કચ્છ જિલ્લા કર્મકાંડવિદ્ બ્રાહ્મણ મંડળ દ્વારા 15 દિવસ પહેલાં તા. 1/11ના દિવાળી અને તા. 2/11ના નૂતન વર્ષ જાહેર થયું હોવાનું કહેતાં મંડળના પ્રમુખ કમલેશભાઇ રાવલે જણાવ્યું હતું કે, લક્ષ્મીપૂજન તો તા. 31/10 અને તા. 1/11 બંનેના કરી શકાશે. ધોકો ન આવે તે માટે સુવિધા અર્થે તા. 1/11ના દિવાળી પર્વ જાહેર કર્યું છે. કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા તા. 31/10ના ચોપડા પૂજન તથા તા. 2/11ના નૂતન વર્ષ જાહેર કરાયું છે.
અખિલ ભારતીય વિશ્વ પરિષદ?(જયપુર)એ દીપાવલિ પર્વ તા. 31/10ના ઉજવવા જાહેર કર્યું છે. ટૂંકમાં, મતમતાંતરને ધ્યાને લઇ કચ્છમાં તા. 31/10 અને તા. 1/11 બંને દિવસ લક્ષ્મીપૂજન કરી અને ઉદિત તિથિના નિર્ણય સિંધુ ગ્રંથ મત મુજબ તા. 1/11ના દિવાળી તથા તા. 2/11ના નૂતન વર્ષ ઉજવી શકાય જેમાં કોઇ શંકા રાખવી જોઇએ નહીં તેમજ પૂર્વિય રાજ્યોના પંચાંગ પ્રમાણે અફવા પર ધ્યાન આપવું ન જોઇએ. કચ્છનાં ભૌગોલિક સ્થિતિ, સૂર્યાસ્ત, સૂર્યોદય ધ્યાને લઇ નિર્ણય લેવો જરૂરી છે.

