EPF Balance Check: કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) નોકરી કરતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સુવિધા છે. આની મદદથી તમારા પૈસાની બચત થતી રહે છે અને તમને બહુ ફરક પણ નથી પડતો, કારણ કે EPF ના પૈસા તમારા દર મહિને આવતા પગારમાંથી પહેલેથી જ કપાઈને જમા થાય છે. અગાઉ PF બેલેન્સ ચેક કરવામાં મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે તે ઘરના લોકરમાં રાખેલા પૈસા જોવા જેટલું જ સરળ છે. આ માટે તમારે ક્યાંય જવાની કે લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી.
1. મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ ચેક કરો
તમારા EPF ખાતાનું બેલેન્સ જાણવા માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી માત્ર 9966-044425 પર એક મિસ્ડ કોલ આપો. મિસ્ડ કોલ કર્યા બાદ થોડી જ વારમાં તમારા મોબાઈલ પર એક SMS આવશે, જેમાં તમારા PF બેલેન્સની સંપૂર્ણ જાણકારી હશે.
2. SMS મોકલીને બેલેન્સ ચેક કરો
જો તમે SMS દ્વારા બેલેન્સ જાણવા માંગતા હોવ, તો તમારા મોબાઈલના મેસેજ બોક્સમાં જઈને ટાઈપ કરો: EPFOHO UAN LAN (જ્યાં UAN તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર છે અને LAN તમારી ભાષાનો કોડ છે, જેમ કે ગુજરાતી માટે GUJ, હિન્દી માટે HIN અથવા અંગ્રેજી માટે ENG). આ મેસેજને 77382-99899 પર મોકલી દો. વળતા મેસેજમાં તમને બેલેન્સની વિગત મળી જશે.
3. ઉમંગ (Umang) એપ દ્વારા
જો તમે તમારી આખી પાસબુક વિગતવાર જોવા માંગતા હોવ, તો આ રીત સૌથી શ્રેષ્ઠ છે:
તમારા મોબાઈલમાં Umang એપ ડાઉનલોડ કરો.
એપ ખોલીને સર્ચ બોક્સમાં EPFO લખો.
હવે ‘View Passbook’ વિકલ્પ પર ક્લિક કરો.
તમારો UAN નંબર નાખો, જેનાથી તમારા મોબાઈલ પર એક OTP આવશે.
OTP દાખલ કરીને ‘Submit’ કરો અને ‘Member Passbook’ પસંદ કરો. અહીં તમે પાસબુક જોઈ પણ શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો.
4. EPFO વેબસાઈટ દ્વારા
તમે EPFO ની સત્તાવાર વેબસાઈટ પર જઈને પણ બેલેન્સ ચેક કરી શકો છો:
epfindia.gov.in પર જાઓ.
‘Our Services’ સેક્શનમાં જઈને ‘For Employees’ પર ક્લિક કરો.
હવે ‘Services’ મેનૂમાં ‘Member Passbook’ પર ક્લિક કરો.
એક નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને લોગિન કરવાનું રહેશે. લોગિન થયા બાદ તમે તમારું બેલેન્સ જોઈ શકશો.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
તમારો UAN (Universal Account Number) સક્રિય (Active) હોવો જોઈએ.
તમારો મોબાઈલ નંબર EPFO પોર્ટલ પર રજિસ્ટર્ડ હોવો અનિવાર્ય છે.
જો તમારું KYC (આધાર, પાન કાર્ડ વગેરે) અપડેટ થયેલું હશે, તો જ તમે ઓનલાઈન સેવાઓનો લાભ લઈ શકશો.

