EV Battery BPAN System: જો તમે ઇલેક્ટ્રિક વાહન (EV) ચલાવો છો અથવા ભવિષ્યમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે ઇલેક્ટ્રિક વાહનોની બેટરીઓ માટે ‘આધાર જેવી ઓળખ સંખ્યા’ આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેનો હેતુ બેટરીના નિર્માણથી લઈને તેના ઉપયોગ, રિસાઈક્લિંગ અને નિકાલ સુધીના સમગ્ર લાઈફ-સાયકલનો રેકોર્ડ રાખવાનો છે. આનાથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સુરક્ષિત રહેશે. સરળ શબ્દોમાં કહીએ તો, હવે પછી EV ની બેટરી ‘અનામી’ નહીં રહે, દરેક બેટરીનો પૂરો રેકોર્ડ રાખવામાં આવશે.
૨૧ અક્ષરોનો હશે BPAN નંબર
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના મંત્રાલયે તૈયાર કરેલી ડ્રાફ્ટ ગાઈડલાઈન મુજબ, દરેક EV બેટરીને ૨૧ અક્ષરોનો એક યુનિક ‘બેટરી પેક આધાર નંબર’ (BPAN) આપવામાં આવશે. આ જવાબદારી બેટરી બનાવતી અથવા આયાત કરતી કંપનીની રહેશે. એટલું જ નહીં, બેટરીના કાચા માલથી લઈને તેની કામગીરી અને રિસાઈક્લિંગ સુધીની તમામ ડિજિટલ વિગતો સરકારી પોર્ટલ પર અપલોડ કરવી ફરજિયાત બનશે.
દિશાનિર્દેશોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, BPAN નંબર બેટરી પર એવી જગ્યાએ લગાવવામાં આવશે જ્યાંથી તે સરળતાથી જોઈ શકાય અને નાશ ન પામે. જેમ આધાર કાર્ડ વ્યક્તિની ઓળખ છે, તેમ BPAN બેટરીની ઓળખ બનશે.
કેમ જરૂરી છે BPAN સિસ્ટમ?
સરકારનું માનવું છે કે આ સિસ્ટમથી બેટરી ઇકોસિસ્ટમમાં પારદર્શિતા અને જવાબદારી આવશે. જો કોઈ બેટરીને રિસાઈક્લિંગ અથવા સેકન્ડ લાઈફ (ફરીથી ઉપયોગ) માટે બદલવામાં આવે, તો નવા ફેરફાર સાથે નવો BPAN જારી કરવામાં આવશે. આનાથી બેટરી કઈ હાલતમાં અને ક્યાં વપરાઈ રહી છે તેની સ્પષ્ટ જાણકારી મળશે.
ભારતમાં કુલ લિથિયમ-આયન બેટરીની માંગનો ૮૦ થી ૯૦ ટકા હિસ્સો ઇલેક્ટ્રિક વાહનોમાંથી આવે છે. આથી સરકાર શરૂઆતી તબક્કે EV બેટરીઓને પ્રાથમિકતા આપી રહી છે. સુરક્ષા અને પર્યાવરણની દૃષ્ટિએ પણ આ પગલું મહત્વનું માનવામાં આવે છે. આ ફ્રેમવર્કને ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ (AIS) હેઠળ લાગુ કરવાની ભલામણ કરવામાં આવી છે, જેથી ગ્રાહકોને વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર ઇલેક્ટ્રિક વાહનો મળી શકે.

