Indian Railways new ticket rules: આજના ડિજિટલ યુગમાં મોટાભાગના કામ મોબાઈલ ફોન દ્વારા જ થઈ જાય છે. ટિકિટ બુકિંગથી લઈને પેમેન્ટ સુધી બધું જ ઓનલાઈન થઈ ગયું છે. પરંતુ હવે ભારતીય રેલવેએ મુસાફરો માટે એક મહત્વનો ફેરફાર કર્યો છે. આ નવા નિયમ પછી માત્ર મોબાઈલ સ્ક્રીન પર ટિકિટ બતાવીને મુસાફરી કરવી દરેક પરિસ્થિતિમાં માન્ય રહેશે નહીં. રેલવેનું કહેવું છે કે આ નિર્ણય મુસાફરોની સુરક્ષા અને ટિકિટ સિસ્ટમમાં પારદર્શિતા જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે.
રેલવેનો આ નિયમ કેમ બદલવામાં આવ્યો?
છેલ્લા કેટલાક સમયથી રેલવે સામે નકલી ટિકિટ અને છેતરપિંડીના કેસો ઝડપથી વધ્યા છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની મદદથી નકલી ટિકિટ બનાવીને મુસાફરી કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે. AI એક તરફ કામને સરળ બનાવે છે, તો બીજી તરફ તેના ખોટા ઉપયોગથી નવી પ્રકારની સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. રેલવેને લાગ્યું કે જો સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે તો આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે.
હવે નવો નિયમ શું છે?
નવા નિયમ મુજબ, UTS (UTS એપ), ATVM અથવા રેલવે કાઉન્ટર પરથી લેવામાં આવેલી અનારક્ષિત ટિકિટ જો માત્ર મોબાઈલ સ્ક્રીન પર બતાવવામાં આવશે, તો તેને માન્ય ગણવામાં આવશે નહીં. આવા મુસાફરોએ ટિકિટની છાપેલી નકલ (Hard Copy) પોતાની પાસે રાખવી જરૂરી રહેશે. જોકે, રેલવેએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ઈ-ટિકિટ અને એમ-ટિકિટ (જેમ કે આરક્ષિત ટિકિટ) આ નિયમના દાયરામાં આવશે નહીં એટલે કે આ ટિકિટ પહેલાની જેમ મોબાઈલમાં બતાવી શકાય છે.
1 ટિકિટ પર 7 મુસાફરોનો ચોંકાવનારો કિસ્સો
આ નિયમને કડક બનાવવા પાછળ એક મોટો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના જયપુર રૂટની છે. તપાસ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ મોબાઈલમાં ટિકિટ બતાવીને મુસાફરી કરી રહ્યા હતા. પહેલી નજરે ટિકિટ એકદમ અસલી લાગતી હતી. ટિકિટમાં QR કોડ હતો, મુસાફરીની પૂરી વિગતો હતી, ભાડું પણ સાચું દેખાતું હતું. પરંતુ જ્યારે TC એ ટિકિટની ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે સત્ય સામે આવ્યું. વિદ્યાર્થીઓએ AI ટૂલની મદદથી એક જ અનારક્ષિત ટિકિટને એડિટ કરી હતી અને તેમાં 7 મુસાફરોના નામ ઉમેરી દીધા હતા. એટલે કે એક ટિકિટ પર 7 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
રેલવેએ તપાસ વધુ કડક બનાવી
આ ઘટના બાદ રેલવેએ તમામ મંડળોને એલર્ટ જારી કરી દીધું છે. હવે TTE અને TC ને ખાસ TTE એપ આપવામાં આવી રહી છે. શંકા જશે તો QR કોડ સ્કેન કરવામાં આવશે. UTS નંબર અને કલર કોડની તપાસ કરવામાં આવશે. આ પદ્ધતિઓથી તરત જ ખબર પડી જશે કે ટિકિટ અસલી છે કે નકલી. રેલવે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે અનારક્ષિત ટિકિટની હાર્ડ કોપી સાથે રાખવી જરૂરી છે, માત્ર મોબાઈલ સ્ક્રીન પર ટિકિટ બતાવવાથી મુશ્કેલી થઈ શકે છે. ટિકિટ દલાલો અને નકલી ટિકિટ વેચનારાઓ પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

