New Aadhaar App Features: UIDAI દ્વારા એક નવી આધાર એપ (Aadhaar App) લોન્ચ કરવામાં આવી છે, જેનાથી હવે મોબાઈલ નંબર અને એડ્રેસ બદલવું પહેલા કરતા ક્યાંય વધુ સરળ બની ગયું છે. આ એપથી આધાર યુઝર્સને દરેક જગ્યાએ આધાર કાર્ડની ફોટો કોપી સાથે રાખવાની જરૂર નહીં પડે, કારણ કે હવે તમામ વેરિફિકેશન એપ દ્વારા જ કરી શકાશે. આ ઉપરાંત હવે અપડેટ કરવા માટે પણ આધાર સેન્ટરના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. UIDAI ના જણાવ્યા અનુસાર, આજે પણ લોકો હોટેલ, સિમ કાર્ડ કે ઓફિસ વેરિફિકેશન માટે આધારની ફોટો કોપી શેર કરે છે, જેનાથી ડેટાના ખોટા ઉપયોગનો ખતરો રહે છે. આ જ સમસ્યાને દૂર કરવા માટે આ નવી આધાર એપ લાવવામાં આવી છે. ચાલો જાણીએ નવી આધાર એપના ફીચર્સ વિશે…
સૌથી પહેલા કરો રજીસ્ટ્રેશન
આધાર એપને એન્ડ્રોઇડ યુઝર્સ Google Play Store પરથી અને iPhone યુઝર્સ Apple App Store પરથી ડાઉનલોડ કરી શકે છે. એપ ડાઉનલોડ કરીને ખોલવા પર તમારી પાસે લોકેશન, કોન્ટેક્ટ, કેમેરા અને SMS ની પરવાનગી માંગવામાં આવશે. પરવાનગી આપ્યા પછી તમને રજીસ્ટ્રેશનનો વિકલ્પ મળશે. આમાં સૌથી પહેલા તમારે તમારો આધાર નંબર નાખવો પડશે, પછી SMS વેરિફિકેશન માટે તમારું સિમ પસંદ કરવું પડશે. ત્યારબાદ ફેસ ઓથેન્ટિકેશન માટે ચહેરાને સ્કેન કરવો પડશે. આ પ્રક્રિયા પૂરી થતાની સાથે જ તમારી રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂરી થઈ જશે.
મળે છે આ ફાયદા
એપ આધારને વધુ સુરક્ષિત અને સરળ બનાવે છે. આમાં ઓફલાઇન આધાર વેરિફિકેશન, જરૂરિયાત મુજબ માહિતી શેર કરવા અને મોબાઈલ નંબર કે એડ્રેસ અપડેટ કરવા જેવા ફીચર્સ મળે છે. હવે યુઝર્સને તેમનો આધાર નંબર કે બાયોમેટ્રિક જાણકારી શેર કરવાની જરૂર નહીં પડે, જેનાથી તેમની પ્રાઈવેટ ઇન્ફોર્મેશન સુરક્ષિત રહેશે. આ ઉપરાંત આ એપ અન્ય ઘણા ફીચર્સ પણ આપે છે જેમ કે- એક જ મોબાઈલ ફોન પર તમે 5 સુધી આધાર પ્રોફાઈલ બનાવી શકો છો, જેથી આખા પરિવારનું આધાર એક જગ્યાએ મેનેજ કરી શકાય. સાથે જ, એપમાં રહેલા આધાર કોન્ટેક્ટ કાર્ડ ફીચર દ્વારા તમે જરૂરિયાત મુજબ મર્યાદિત માહિતીને સુરક્ષિત રીતે શેર કરી શકો છો.
ઓફલાઇન વેરિફિકેશન
આ એપની સૌથી સારી વાત એ છે કે તેમાં ઓફલાઇન વેરિફિકેશનનું ફીચર પણ છે. વાસ્તવમાં, આને ચલાવવા માટે ઇન્ટરનેટની જરૂર પડતી નથી અને યુઝરે પોતાની પૂરી જાણકારી પણ શેર કરવી પડતી નથી. આમાં શેર આઈડી અને ક્યુઆર કોડ સ્કેન જેવા ઓપ્શન મળે છે. શેર આઈડીમાં એક પાસવર્ડથી સુરક્ષિત ફાઈલ બને છે, જેમાં માત્ર નામ કે ઉંમર જેવી જરૂરી માહિતી જ શેર કરવામાં આવે છે. સાથે જ, સામેવાળાનો ક્યુઆર કોડ સ્કેન કરીને તરત જ વેરિફિકેશન કરી શકાય છે.

